અમદાવાદ ખાતે સુષ્મા સ્વરાજ મહિલાઓ સાથે કરશે સીધો સંવાદ

અમદાવાદ : ગુજરાતમાં ભાજપનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ જોર-શોરથી ચાલી રહ્યો છે. ગુજરાત ગૌરવ યાત્રામાં રોજ મોટા નેતાઓ જોવા મળી રહ્યાં છે. સાથે જ જનતાના સવાલોના જ વાબ આપવામાં પણ ભાજપ પાછળ નથી. ગત મહિને અમિત શાહે અમદાવાદમાં યુવા ટાઉન હોલ કાર્યક્રમાં ભાગ લીધો હતો અને ગુજરાતના યુવાઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. હવે યુવાઓ બાદ મહિલા મતદારો માટે ભાજપ દ્વારા અમાદાવાદ ખાતે મહિલા ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મહિલાઓના પ્રશ્નોના જવાબ આપશે. ૧૪ ઓક્ટોબર ને શનિવારના રોજ અમદાવાદના યુનિવર્સિટી કોન્વેનશન સેન્ટર ખાતે બપોરે ૨ વાગે સુષ્મા સ્વરાજનો મહિલા ટાઉન હોલ કાર્યક્રમ યોજાશે, જેમાં તેઓ મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે. સુષ્મા સ્વરાજના આ કાર્યક્રમ માટે ૨૪ કલાકની અંદર ૨૫ હજારથી પણ વધુ સવાલો પૂછવામાં આવ્યા છે.  નોંધનીય છે કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્‌વીટર પર ખૂબ સક્રિય છે અને ટ્‌વીટર પર માંગવામાં આવેલ મદદનો તરત પ્રતિસાદ પણ આપે છે.  દેશ-વિદેશમાં રહેતી અનેક મહિલાઓ ટ્‌વીટ કરી સુષ્મા સ્વરાજની મદદ માંગે છે અને તેમને બને એટલી જલ્દી મદદ મળી પણ રહે છે. આથી મહિલાઓ સાથે સુષ્મા સ્વરાજનો આ સંવાદ અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ વધુ મહત્વપૂર્ણ બને છે. મહિલાઓ પોતાના સવાલો સુષ્મા સ્વરાજને મોકલી શકે એ માટે ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા. મોબાઇલ પરથી સવાલ પૂછવા માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો, જેના પર મિસ કોલ કે વોટ્‌સઅપ કરી સવાલ પૂછી શકાય છે. તો ફેસબૂક અને ટ્‌વીટર પર અડીખમ ગુજરાત પેજ પર પણ સવાલ કરી શકાય છે.
વળી, અડીખમ ગુજરાતની વેબસાઇટ પર જઇને પણ મહિલાઓ સવાલ કરી શકે છે.