અમદાવાદમાં રેમડેસિવીર ઈન્જેક્શનના કાળાબજારીના કેસની તપાસ કચ્છ ફંટાઈ

સુરત બે તબીબ અને અમદાવાદની એક નર્સની સંડોવણી ખુલ્યા બાદ તપાસનું પગેરૂં ગાંધીધામ અને જામનગર સુધી લંબાયું : કાળાબજારી મામલે આરોપીને ગોઠવણ કરી આપનાર ગાંધીધામનો એ પરિચીત ‘મિત્ર’ કોણ?

ગાંધીધામ : રેમડેસિવીરના ઈન્જેક્શનની કરાયેલી કાળાબજારીમાં સોલા પોલીસે સુરતના બે તબીબ અને અમદાવાદની એક નર્સની ધરપકડ કરી હતી. આરોપીઓની તપાસમાં નવા નામો ખુલતા રેમડેસિવીર ઈન્જેક્શનની તપાસનું પગેરૂં ગાંધીધામ અને જામનગર સુધી લંબાયું છે. આ અંગેની વિગતો મુજબ રેમડેસિવીરની કાળાબજારીમાં પોલીસે સુરતના ડોકટર મીલન રમેશભાઈ સુતરીયા અને ડો. કીર્તિકુમાર રતીભાઈ દવેની ધરપકડ કરી હતી. આરોપી ડોકટર મીલન સુતરીયા એમએમસી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. ઈન્જેક્શન સાથે ઝડપાયેલા જય પ્રહલાદભાઈ શાહને વાયલ્સ મોકલવા અંગે પુછતા તેણે પોતાની સાથે ભણતા અને હાલ જીઆઈપીસીએલ કંપનીમાં ફરજ બજાવતા ડો. કીર્તિકુમાર દવે પાસેથી વાયલ્સ મેળવ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે ડો. કીર્તિ દવેની ધરપકડ કરીને પુછતાછ કરતા તેણે વાયલ્સ જામનગર ખાતેથી મેળવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે જામનગર તપાસનો દોર લંબાવ્યો હતો અને પીઆઈ જે. પી. જાડેજાના જણાવ્યા પ્રમાણે જય શાહને ગાંધીધામ ખાતે રહેતા તેના એક પરિચીત મિત્રે રેમડેસિવીર ઈન્જેક્શનની જરૂર હોય તો સુરતનો ડોકટર મીલન સુતરીયા આપતો હોવાની માહિતી તેણે આરોપી જયને આપી હતી. ત્યારે આ સમગ્ર કિસ્સામાં ગોઠવણી કરી આપનાર ગાંધીધામના શખ્સનું નામ પણ ચિત્ર આવ્યું છે. ત્યારે પોલીસે ડોકટર સુતરીયા પાસેથી ઈન્જેક્શન મળશે તેવું ગાંધીધામથી કહેવાવાળો પરિચીત ‘મિત્ર’ શખ્સ કોણ છે તેની તપાસ હાથ ધરાઈ છે. આ સમગ્ર મામલે આગામી દિવસોમાં કચ્છના આરોપીનું નામ પણ રેમડેસિવીરની કાળાબજારીમાં ખુલ્લી શકે છે તેવું સુત્રો માની રહ્યા છે.