અમદાવાદથી રાજકોટ વાયા ભુજની ફલાઈટ શરૂ થશે

ભુજ : રાજ્યમાં આંતરરાજ્ય ફલાઈટ શરૂ કરવા માટે કવાયત આરંભાઈ છે. ત્યારે ઉડાન યોજના અંતર્ગત અમદાવાદથી રાજકોટ વાયા ભુજની ફલાઈટ સેવા શરૂ કરવામાં આવે તેવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. ઉડાન યોજના હેઠળ શરૂ થનારી આ ફલાઈટ સેવાને મંજૂરી પણ મળી ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઓપરેટરો સાથે પરામર્શ થયા બાદ ઓગસ્ટ મહિનામાં આ ફલાઈટ શરૂ થાય તેવી સંભાવના છે. જેમાં ખાસ કરીને અમદાવાદ – ભુજ – રાજકોટ તેમજ અન્ય આંતર રાજ્ય સેવાઓમાં અમદાવાદથી પોરબંદર, સુરત, ભાવનગર અને અમરેલીની હવાઈ સેવાનો સમાવેશ થાય છે. ભુજને સાંકળતી ફલાઈટમાં ૭ર પ્રવાસીઓની ક્ષમતા હશે. હાલમાં અમદાવાદ – કંડલા રૂટ વચ્ચે ઉડાન યોજના અંતર્ગત ફલાઈટ સેવા કાર્યરત છે. નોંધનીય છે કે, અગાઉ પણ આંતરરાજ્ય ફલાઈટ શરૂ થઈ છે, પરંતુ મોટાભાગના પ્રોજેકટનું બાળ મરણ થયું છે. આ કેસમાં પણ શરૂઆતથી વધારે ફોક્સ રખાશે તેમજ ભાવ નીચા હશે તો જ સેવાને પ્રતિસાદ મળશે.