અમદાવાદઃ “નકલી કોરોના રિપોર્ટ” બનાવતી લેબોરેટરી સામે પોલીસ ફરિયાદ

(જી.એન.એસ)અમદાવાદ,ખોટા કોરોના રિપોર્ટ આપવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘોડાસર માં આવેલી ગાયત્રી પેથોલોજી લેબ સીલ કરવામાં આવી છે. આ લેબોરેટરીના સંચાલક નિલેશ વાઘેલા કોરોનાના આરટી-પીસીઆરનો ખોટા રિપોર્ટ સ્ટર્લીંગ એક્યુરસીના નામે આપે છે. આ અંગે ફરિયાદ મળતાં સાઉથ જોન હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા લેબ સાથે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગાયત્રી લેબોરેટરી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ તેમના લેબના નથી. જેથી ગાયત્રી લેબમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતું. જેમાં ગાયત્રી લેબ પાસે લાયસન્સ મળી આવ્યું ન હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર વિનોદ મહેશ્વરી નામના વ્યક્તિએ આ લેબ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. વિનોદ મહેશ્વરીના પત્ની કિરણ મહેશ્વરીનો ખોટો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેના આધારે વિનોદ મહેશ્વરીએ કોર્પોરેશનમાં આ લેબ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેથી તેના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોન હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા લેબોરેટરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ લેબોરેટરી પાસે જરૂરી લાયસન્સ પણ નથી. તેમજ કોઈ પણ જાતના દસ્તાવેજ કે પુરાવા પણ મળી આવ્યા નહોતા.
ગુજરાત સરકાર દ્વારા આરટી-પીસીઆરનો ટેસ્ટ કરવા માટે જરૂરી લાયસન્સ આપવામાં આવેલ છે. ગાયત્રી લેબોરેટરીના નીલેશ વાઘેલા પાસે આ લાયસન્સ ન હતું તેમજ ગેરકાયદેસર રીતે આરટી-પીસીઆરનો રિપોર્ટ સ્ટર્લીંગ એકયુરસીના નામે આપીને ગંભીર ગુનો આચરેલ છે. જેથી કોર્પોરેશન દ્વારા ગાયત્રી લેબને સીલ કરવામાં આવે છે તેમજ લેબોરેટરીના સંચાલક નિલેશ વાઘેલા સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.