અભ્યાસ અર્થે વિદેશ જતાં જિલ્લાના વિધાર્થીઓએ કોવીડ વેકસિનના ફાઈનલ પ્રમાણપત્ર મેળવવા માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કચેરીનો સંપર્ક સાધવો

કોવીડ-૧૯ના ફાઈનલ પ્રમાણપત્ર આપવા માટે નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, કચ્છને અધિકૃત કરાયા

રાજયના ઘણા વિધાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જઇ રહયા છે. ભારત સરકાર તરફથી મળેલ રીવાઈઝડ ગાઇડલાઇન મુજબ કોવિશિલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે ૮૪ દિવસનો સમયગાળો રાખવાનું નકકી થયેલ છે, પરંતુ જે વિધાર્થીઓએ અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધેલ છે તેમજ હાલમાં ૮૪ દિવસ પુરા નથી થયા તેવા વિધાર્થીઓને અભ્યાસમાં/વિદેશ પ્રવાસમાં કોઇ અડચણ ઉભી ન થાય તે માટે કચ્છ જિલ્લાના વિદેશ અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓને વેકસીનના બીજા ડોઝમાં અગ્રતા આપવા મંજુરી આપી હાલે માત્ર અભ્યાસ અર્થે વિદેશ જતા કચ્છ જિલ્લાના વિધાર્થીઓને કોવીડ વેકસિનનો બીજો ડોઝ બાબત કોવીડ-૧૯ના ફાઈનલ પ્રમાણપત્ર આપવા માટે નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, કચ્છને અધિકૃત કરાયા છે.
આ બાબતે આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, સ્વામિનારાયણ મંદિર સામે, ભાડા કચેરીની બાજુમાં, ભુજ-કચ્છનો સંપર્ક કરી અરજીપત્રક મેળવી તેમાં વિગતો ભરી સાથે વિદેશી યુનિવર્સિટીમાં એડમીશન પત્ર (વોક ઈન રજીસ્ટ્રેશન માન્ય રહેશે), જે દેશમાં અભ્યાસ માટે જનાર હોય ત્યાંના માન્ય વીઝા અને વેરીફીકેશન માટે નકકી થયેલ સાત ઓળખના પુરાવા પૈકી કોઇપણ એક (પાસપોર્ટને પ્રાધાન્ય આપવું) રજુ કરી સંપૂર્ણ વિગતો ભરેલું અરજીપત્રક ડીઝાસ્ટર મેનેજમેન્ટ, DEOC એ ચકાસાવી અને મંજુર કરાવી આરોગ્ય વિભાગમાં વેકસિનના ડોઝ લેવા જવાનું રહેશે. વેકસિન લીધા બાદ અરજીપત્રકને ડીઝાસ્ટર મેનેજમેન્ટ, DEOCમાં રજુ કર્યેથી અરજીપત્રકની અંતિમ ચકાસણી બાદ નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, કચ્છની સહીવાળું Final Certificate for COVID-19 Vaccination આપવામાં આવશે. આ અંગે અન્ય કોઇ પુછપચ્છ અને જાણકારી માટે કચેરીના સમય દરમ્યાન કન્ટ્રોલ રૂમ નં.૦૨૮૩૨-૨૫૧૯૪૫ પર સંપર્ક કરવાનો રહેશે.