અબડાસા વિધાનસભા બેઠકમાં લઘુમતિ મતદારો હુકમનો એક્કો સાબિત થશે?

અબડાસા તાલુકામાં લઘુમતિ મોરચાની નિમણુંકોમાં થયેલા ડખાથી ભાજપથી નારાજ અમુક લઘુમતિ અગ્રણીઓ ઘર પકડીને બેસી જતા ચૂંટણી વખતે જ ભાજપ માટે કપરા ચઢાણના એંધાણ

આ વખતે ઉત્તર પ્રદેશની માફક ગુજરાતમાં પણ ભાજપે એક પણ લઘુમતિને ટીકીટ ન આપતા તેની અસર અબડાસા બેઠકના સૌથી વધુ (૬૦ હજાર) લઘુમતિ મતદારો પર પડે તેવી સંભાવના

નલીયા : તાસના પત્તાની બાજીમાં હુકમનો એક્કો જેની સાથે હોય તે બાજી જીતાડવા માટે સક્ષમ બની શકે તેવી જ સ્થિતિ હાલ અબડાસા બેઠકમાં છે અને ચુંટણીની બાજી જીતાડવામાં લઘુમતિ મતદારો હુકમનો એક્કો સાબિત થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
અબડાસા મતદાર વિભાગની વાત કરીએ તો અબડાસામાં સૌથી વધુ એટલે કે ૬૦ (સાઈઠ) હજાર લઘુમતિ મતદારો છે તેના બાદ ક્ષત્રિયો અને પાટીદાર, દલિત અને અન્ય મતદારોનો ક્રમ આવે છે.આમ અબડાસા વિધાનસભાની વાત કરીએ તો લઘુમતિ મતદારો અહિં બહુમતિમાં છે.અગાઉની ચુંટણીઓ ઉપર દષ્ટિપાત કરીએ તો ૧૯૬૨ થી અત્યાર સુધી થયેલી ચુંટણીઓમાં માત્ર ૩ વખત કેસરિયા પક્ષ ભાજપના ધારાસભ્ય અત્રે ચુંટાયા છે અને કોંગ્રેસની પરંપરાગત બેઠક અબડાસા વિધાનસભા બેઠક ગણાય છે.નરેન્દ્રભાઈ મોદીની ૨૦૧૪ ની ચુંટણીમાં સમગ્ર દેશમાં મોદી લહેર વચ્ચે પણ અહિં કોંગ્રેસ વિજેતા બની હતી.આમ આ બેઠકમાં બહુમતિ મતદારો લઘુમતિ મતદારો હોઈ તેઓ પરિણામમાં નિર્ણાયક બને છે. તાજેતરની અબડાસા વિધાનસભાની ઘટનાઓની વાત કરીએ તો થોડા સમય પહેલા તાલુકા ભાજપના લઘુમતિ મોરચાની નવરચના વખતે તાલુકામાં મોટા પાયે થયેલા ડખાને લીધે અમુક મોટા ગજાના લઘુમતિ અગ્રણીઓ નારાજ થઈ અને હાલ ચુંટણી વખતે જ ઘર પકડીને બેસી જતા ભાજપ માટે કપરા ચઢાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજા મહત્ત્વના પરિબળની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની થીયરી મુજબ ગુજરાતમાં પણ ભાજપ દ્વારા લઘુમતિઓને ટીકીટ આપવામાં આવી નથી જેની નારાજગીની સીધી અસર લઘુમતિ બહુમત મતદારોવાળી રાજ્યની આ નંબર વન બેઠક પર પડશે તે સ્વાભાવિક છે.આ ઉપરાંત અબડાસાના એક લઘુમતિ ધર્મગુરૂને ખોટા કેસોમાં ફસાવી જાહેરમાં ભાજપના એક જાહેર કાર્યક્રમમાંથી જ રાજકીય ઈશારે પોલીસ દ્વારા ઉઠાવાયા હતા તેની અસર પણ લઘુમતિ મતદારોના માનસ પર હજુ સુધી પડેલી છે. આમ આ વખતે લઘુમતિ મતદારોનો ઝોક કઈ તરફ છે તે મહત્ત્વનું સાબિત થશે અને લઘુમતિ મતદારો હુકમના એક્કા સાબિત થાય તેવા સમીકરણો અબડાસા વિધાનસભા બેઠકમાં સર્જાયા છે.