અબડાસા તા.પં.ના કારોબારી ચેરમેન મહેશોજી સોઢા

કારોબારી ચેરમેન નામની જાહેરાત થતાંની સાથે છંછેડાયો વિવાદનો મધપુડો

 

અબડાસા તાલુકા પંચાયતની સમિતિઓમાં કોનો કોનો સમાવેશ
નલીયા : આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી તા.પં.ની સામાન્ય સભામાં કારોબારી અને સા.ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતીમાં મહેશોજી રાણાજી સોઢા, ઉષાબા નરેન્દ્રસિંહ જાડેજા, જયદિપસિંહ કે.જાડેજા, અરજણભાઈ જે.ભાનુશાલી, અરૂણાબેન એસ.ગઢવી, જુવાનસિંહ પી.જાડેજા અને જેનાબાઈ આમદ નોડેની ૭ સભ્યોની કારોબારી સમિતિની વરણીને બહાલી આપવામાં આવી હતી. જયારે સામાજિક ન્યાય સમિતિમાં અજબાઈ ગોરડીયા, હેતલબેન ગામીત, વિશ્રામ બુધા ગોરડીયા, જયેશ વાઘેલા, સામતભાઈ ગોરડીયાની વરણીને બહાલી આપવામાં આવી હતી.

 

નલિયા : અબડાસા તાલુકા પંચાયતની આજરોજ મળેલી સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને સામાજીક ન્યાય સમિતિની વરણી કરવામાં આવી હતી.
કારોબારી સમિતિની રચના બાદ કારોબારી ચેરમેનના નામની જાહેરાત કરી દેવામાં આવતા વિવાદનો મધપુડો તાલુકા પંચાયતમાં સર્જાયો હતો. ખરેખર આજે માત્ર કારોબારી સમિતીની વરણી કરવાની હતી, પરંતુ સમિતીની વરણી બાદ સત્તા પક્ષના સભ્યો દ્વારા કારોબારી ચેરમેન તરીકે મહેશોજી સોઢાના નામની જાહેરાત કરી દેવામાં આવતા વિવાદનો મધપુડો છંછેડાઈ ગયો હતો.આ તકે સભાનું સંચાલન કરતા વિસ્તરણ અધિકારી મોહનભાઈ પુરખાને પુછતા તેમણે જણાવ્યું હતું કે આજે સત્તાવાર રીતે માત્ર કારોબારી સમિતિની વરણી કરાઈ છે. ચેરમેનની વરણી કારોબારી સમિતિની હવે પછી મળનાર બેઠકમાં કરાશે. આ અંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ હકુમતસિંહ જુવાનસિંહ જાડેજાએ કચ્છઉદયને ટેલીફોનીક સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ચેરમેનની વરણી કરાઈ નથી, માત્ર ચર્ચા કરાઈ હતી અને પાર્ટીમાં કારોબારી ચેરમેન તરીકે મહેશોજી સોઢાના નામની ભલામણ કરવાની ચર્ચા થઈ હતી જેને સૌએ ટેકો આપ્યો હતો.
કારોબારી સમિતિ ઉપરાંત સામાજિક ન્યાય સમિતિની પણ વરણી કરવામાં આવી હતી. બેઠકમાં જિ.પં.સભ્યો હાજી તકીશા બાવા, કિશોરસિંહ જાડેજા, ભાવનાબા જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ અજબાઈ ગોરડીયા, ઉ.પ્રમુખ હકુમતસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા, અરજણભાઈ ભાનુશાલી, સાલેમામદ મંધરા, અરૂણાબેન ગઢવી, જુવાનસિંહ જાડેજા, મહેશોજી સોઢા, જેનાબાઈ આમદ સંઘાર, વિપક્ષી નેતા ગજણ અબ્દુલ્લા ઈસમાઈલ, ફાફુભાઈ ઉંમર સંઘાર, શ્રીમતી નોડે સહિતના તાલુકા પંચાયતના સત્તા અને વિપક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપ પ્રમુખ ઉંમરશીભાઈ ભાનુશાલી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ મંધરા, પરેશસિંહ જાડેજા, વેપારી એશો.ના પ્રમુખ હકુમતસિંહ જાડેજા, જામભા સોઢા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.