અબડાસા તા.પં. કારોબારી ચેરમેન તરીકે જાફર હિંગોરા-શાસક પક્ષના નેતા તરીકે મહાવીરસિંહ જાડેજાની વરણી

સાંજે મળનાર બેઠકમાં વિધિવત સત્તાવાર વરણી કરાશે

નલિયા : અબડાસા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતા પદેની વરણીમાં ભાનુશાલી અગ્રણી મનજીભાઈ ભાનુશાલી અને હનીફ બાવા પઢિયાર, ઈકબાલ મંધરા, કિશોરસિંહ જાડેજા સહિત કોગ્રેસ અગ્રણીની મધ્યસ્થિતિ કરવામાં આવી છે. જેમાં કારોબારી ચેરમેન તરીકે જાફર હિંગોરા અને શાસક પક્ષના નેતા તરીકે મહાવીરસિંહ જાડેજાના નામને પાર્ટીની મળેલી બેઠકમાં મંજુરીની મહોર મારવામાં આવી હતી. અબડાસા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણીને લઈને થયેલો વિવાદ હવે સમી ગયો છે. ચેરમેન તરીકે વિંઝાણ બેઠકના જાફરભાઈ અલારખ્યા હિંગોરા અને શાસક પક્ષના નેતા તરીકે મહાવીરસિંહ રમુભા જાડેજાના નામને મંજંરીની મહોર ગઈકાલે રાતાતળાવ ખાતે મળેલી બેઠકમાં મારવામાં આવી હતી. રાતાતળાવ ખાતે સીનીયર કોંગ્રેસ અગ્રણીઓ મનજીબાપુ, મુસ્લિમ અગ્રણી હનીફ બાવા પડીયાર, કિશોરસિંહ જાડેજા, હાજી તકીશા બાવા સૈયદ, ઈકબાલભાઈ મંધરા વગેરેની હાજરીમાં મહાવીરસિંહ જાડેજાને મનાવી લેવામાં આવ્યા હતા અને તેમનું નામ શાસક પક્ષના નેતા તરીકે જાહેર કરાયું હતું. સાંજે મળનારી કારોબારી સમીતીની બેઠકમાં હવે વિધિવત જાહેરાત કરવામાં આવશે તેવું તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ મોકાજી જાડેજાએ જણાવ્યું હતું. વધુમાં અબડાસા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે વિઝાણ બેઠક પરથી ચૂટાયેલા કોંગ્રેસી સદસ્ય જાફર અલારખીયા હિંગોરાના નામની સર્વાનુમતે પસંદગી કરાઇ હોવાનું કોંગ્રેસ અગ્રણી હનીફબાવા પઢિયારે જણાવાયું છે. અબડાસા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કોને બનાવવા એ નક્કી કરવા કોંગ્રેસ અગ્રણીઓ હનીફબાવા પઢિયાર, અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા,જામભા સોઢા, ઈકબાલભાઈ મંધરા, કિશોરસિંહ જાડેજા, સૈયદ તકીશા સહિતના આગેવાનોએ ચર્ચા વિચારણા બાદ જાફર હિંગોરાના નામની જાહેરાત કરી હતી અત્રે એ નોંધનીય છે કે આ મસલતમા મનજીબાપા ભાનુશાલી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમનું નામ કારોબારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યું છે એ જાફરભાઇ હિંગોરા અબડાસા તાલુકા પંચાયતના સદસ્ય તરીકે વિઝાણ બેઠક ઉપરથી ચુટાયેલા છે. જાફરભાઇ હીગોરા ખીરસરા વિઝાણના વતની છે અને તેઓ અબડાસા તાલુકા પંચાયતના પ્રથમ એવા ચેરમેન બનશે કે જેમણે ગ્રેજ્યુએશન પાસ કરેલ હોય, વધુમાં અબડાસા તાલુકા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ લઘુમતી સદસ્ય કારોબારી ચેરમેન પદે કામગીરી કરશે અત્રે એ ઉલ્લેખનીય છે કે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ ઈતિહાસમાં પ્રથમ વખત લઘુમતી સદસ્ય તેજબાઇ લાખા કેરની વરણી કરાઇ છે