અબડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી

પ્રાંત અધિકારી ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પ્રમુખપદે અજબાઈ ગોરડીયા અને ઉપપ્રમુખપદે હકુમતસિંહ જાડેજા વિધિવત વરાયા

 

અનુ.જાતીને પ્રથમ વખત પ્રમુખપદ મળતા આનંદની લાગણી : અબડાસા મહેશ્વરી સમાજના પ્રમુખ લાલજીભાઈ કટુઆ, વેરશી સંજોટ, ખેતશી માસ્તર સહિતના દલિત અગ્રણીઓએ આપ્યા અભિનંદન

 

અબડાસા તા.પં. કારોબારી ચેરમેન તરીકે લઘુમતિ સમાજની દાવેદારી મજબુત બની
નલીયા : અબડાસા તાલુકા પંચાયતમાં ગઈકાલે પ્રમુખ-ઉપપ્રમુખપદની વરણી બાદ કારોબારી ચેરમેન તરીકે લઘુમતિ સમાજની દાવેદારી મજબુત બની છે.
રોટેશન ચેન્જ થયા અગાઉ ક્ષત્રિય સમાજને પ્રમુખપદ અને લઘુમતી સમાજને ઉપપ્રમુખપદની તક મળી હતી.હાલ પ્રમુખપદે અનુ.જાતિના મહિલા અગ્રણીને તક મળી છે અને ઉપપ્રમુખપદે ક્ષત્રિય સમાજને તક મળી છે ત્યારે અબડાસામાં મોટો મતદાર વર્ગ ધરાવતા લઘુમતિ સમાજને કારોબારી ચેરમનપદે નિયુક્ત કરાય તો જ્ઞાતિવાર સમીકરણોમાં ભાજપને આવનારી લોકસભા ચુંટણીમાં ફાયદો થાય તેમ છે.જીલ્લા ભાજપના મોવડીઓ દ્વારા આ અંગે ગંભીરતાથી વિચાર કરી લઘુમતિ સમાજને ન્યાય મળે તે રીતે પસંદગીની મહોર મરાય તેવી લાગણી લઘુમતિ સમાજમાં છે.વિધાનસભા ચુંટણી સમયે નારાજ લઘુમતિને લીધે ભાજપને તાલુકામાં નુકશાન ખમવાનો વારો આવ્યો હોઈ સમતોલન જાળવવું હવે જીલ્લા ભાજપના મોવડીઆ માટે કસોટી સમાન થઈ જશે તેવી ચર્ચા તાલુકામાં થઈ રહી છે.

 

 

નલીયા : અબડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અબડાસા તાલુકા પંચાયતમાં રોટેશન ચેન્જ થયા બાદ હાથ ધરાયેલ વરણી પ્રક્રિયા અંતર્ગત ભાજપ તરફથી પ્રમુખપદે અજબાઈ માલશી ગોરડીયા અને ઉપપ્રમુખપદે હકુમતસિંહ જુવાનસિંહ જાડેજાના નામ પર પસંદગીની મહોર મરાતા તેમના ફોર્મ ભરાયા બાદ ગઈકાલેે બપોરે અબડાસા પ્રાંત અધિકારીશ્રી ડી.આર.ઝાલાની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ હતી જેમાં અન્ય કોઈ ફોર્મ ભરાયેલ ન હોઈ પ્રાંત અધિકારીશ્રી દ્વારા તેમને પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે ચુંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા.કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી હરિકૃષ્ણ ચૌહાણ, મોહનભાઈ પુરખા સહિતના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
બેઠકમાં પ્રમુખ અજબાઈ ગોરડીયા, ઉપપ્રમુખ હકુમતસિંહ જે.જાડેજા, માજી પ્રમુખ ઉષાબા જાડેજા, કારોબારી ચેરમેન મહેશોજી સોઢા, ઉ.પ્રમુખ સાલેમામદ મંધરા, શાસક પક્ષના નેતા અરજણભાઈ ભાનુશાલી સાથે તાલુકા પંચાયત સભ્યો હેતલબેન ગામેતી, જુવાનસિંહ પી.જાડેજા, જેનાબાઈ આમદ સંઘાર, કમશ્રીબેન ગઢવી, જયદિપસિંહ જાડેજા, વિપક્ષી નેતા અબ્દુલભાઈ ગજણ, વિશ્રામભાઈ ગોરડીયા, સુવર્ણાબેન ચેતનભાઈ રાવલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
નવ નિયુક્ત પ્રમુખ અજબાઈ ગોરડીયાએ તાલુકાના વિકાસકામોમાં ઝડપ લાવી છેવાડાના તાલુકાને વિકાસના પંથે અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.ઉપપ્રમુખ હકુમતસિંહ જુવાનસિંહ જાડેજાએ તાલુકાના જનતાના પ્રશ્નોના નિકાલ માટે સદાય તત્પર રહેવાની નેમ વ્યક્ત કરી હતી.
અબડાસા તાલુકા પંચાયતમાં પ્રથમ વખત અનુ.જાતિને પ્રમુખપદ મળતા દલિત સમાજના આનંદની લાગણી ફેલાઈ છે.અબડાસા મહેશ્વરી સમાજના પ્રમુખ લાલજીભાઈ કટુઆ, વેરશીંભાઈ સંજોટ, ખેતશીભાઈ માસ્તર સહિતના અગ્રણીઓ વરણી સમયે ઉપસ્થિત રહ્યા હતા અને અભિનંદન આપ્યા હતા.