• બન્ને પક્ષોએ ફોર્મ ભરતા આવતીકાલે થશે કોંગ્રેસની કસોટી 

ઉપપ્રમુખ પદે મોકાજી સોઢાને મેન્ડેટ અપાતા ભરાયું ફોર્મ : ભાજપે પણ પ્રમુખ માટે ચેતનાબા જાડેજા અને ઉપપ્રમુખ માટે ઈબ્રાહીમ વાઘેરને ઉતાર્યા મેદાનેઃકોંગ્રેસના કબજાવાળી તાલુકા પંચાયત પર ભાંગફોડ કરવા ભાજપે લગાવ્યું એડીચોટીનું જોર : કોંગ્રેસ પક્ષ સત્તા બચાવવા હરકતમાં 

નલિયા : અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે, આ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ઉપરાંત ભાજપે પણ દાવેદારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને હવેના ર૪ કલાક કોંગ્રેસ માટે સત્તા બચાવવા ખરાખરીના બની રહે તો નવાઈ નહીં કહેવાય. આવતીકાલે વરણી પ્રક્રિયા દરમ્યાન આ તાલુકા પંચાચત કોના કબજામાં રહે છે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અબડાસા તાલુકા પંચાયતમાં ૧૮ પૈકી ૧૦ સીટ સાથે સત્તા હાંસલ કરનાર કોંગ્રેસ માટે હાલ કપરા ચઢાણ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પચીસ વર્ષ બાદ કોંગ્રેસે અબડાસા તાલુકા પંચાયત ભાજપ પાસેથી આંચકી લીધી હતી. આજે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસ તરફથી મોટી બેર બેઠક પરથી ચૂંટાયેલા તેજબાઈ લાખા કેર તથા ઉપપ્રમુખ તરીકે કોઠારા બેઠક પરથી ચૂંટાયેલા મોકાજી હમીરજી સોઢાની પસંદગી કરાઈ હતી, બન્ને ઉમેદવારો દ્વારા તાલુકા પંચાયતમાં પક્ષના મેન્ડેટના આધારે ફોર્મ ભરવામાં આવ્યા હતા. વર્ષો બાદ અબડાસા તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે આવી છે ત્યારે પરિણામ બાદથી આજ દિવસ સુધી કોંગ્રેસના સભ્યો એકજુટ છે તેમજ કોઈ ભાંગફોડ નથી તેવી વાત કોંગ્રેસ દ્વારા વારંવાર કરવામાં આવી છે. તો ભાજપે સત્તા મેળવવા ભાંગફોડ શરૂ કરી હોય તેવું ચિત્ર જણાઈ આવે છે. કારણ કે ભાજપ તરફથી પ્રમુખ પદ માટે બાંડીયા સીટના ચેતનાબા જયેન્દ્રસિંહ જાડેજા અને ઉપપ્રમુખ તરીકે જખૌ સીટના ઈબ્રાહીમ વાઘેરે પણ દાવેદારી નોંધાવી હતી. એક માત્ર અબડાસામાં કોંગ્રેસની સાથે ભાજપના ઉમેદવારોએ ટીડીઓ સમક્ષ પ્રમુખ – ઉપપ્રમુખ માટે ફોર્મ ભરતા અબડાસા તાલુકા ઉપરાંત કચ્છના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના હનીફ બાવા પઢીયાર, ઈકબાલ મંધરા, કિશોરસિંહ જાડેજા સહિતના કોંગ્રેસી નેતાઓ પોતાની મહેનત રંગ લાવે તે માટે સતત સભ્યોને સંપર્કમાં છે તો સામે પક્ષે ભાજપે સત્તા હાંસીલ કરવા સામ, દામ, દંડ, ભેદની નીતિ શરૂ કરી દીધી છે. પ્રમુખ – ઉપપ્રમુખ માટે ભાજપે દાવેદારી નોંધાવતા કંઈક રંધાયું હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે. અલબત આવતીકાલે બપોરે જ્યારે સામાન્ય સભા યોજાશે તેમાં વિશ્વાસ મતના આધારે સત્તાવાર  વરણી થઈ જશે, ત્યારે સ્પષ્ટ થશે કે કોંગ્રેસના પંજામાં અબડાસા તાલુકા પંચાયત રહી છે કે અબડાસામાં ફરી કમળ ખીલે છે. હાલના સમયથી આવતીકાલના ર૪ કલાક સુધી અબડાસાના રાજકારણમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગામના પાદરેથી લઈ ઠેક ઠેકાણે ચર્ચાઓનું દોર જામ્યો છે.