અબડાસામાં સુજલામ-સુફલામ અંતર્ગત તળાવો ઊંડા કરવા તંત્રએ વ્યાયામ આદર્યો

મધ્યમ અને નાની સિંચાઈની યોજનાઓ આવરી લેવા પણ ચર્ચા કરાઈ

ભુજ : હજી તો ઉનાળાનો આરંભ થયો છે તેવામાં વરસાદી જળ બચાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જીહા, અબડાસામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવા સંદર્ભે મીટિંગ મળી હતી. જેમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય રીતે ચોમાસા પૂર્વે આ યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવામાં આવે છે જેથી વરસાદના સમયગાળામાં મહત્તમ પાણીનો સંગ્રહ થઈ શકે. તવાળના ખાણેત્રા દરમિયાન ઉપન્ન થતી માટી ખેતરોમાં વપરાય છે. ઘણા વર્ષોથી આ યોજના અમલી છે. કચ્છ જેવા વિશાળ જિલ્લામાં આ યોજનાથી પાણીની સમસ્યા મહદઅંશે નીવારી શકાઈ છે. સુજલામ સુફલામ ર૦ર૧ યોજના અંતર્ગત અબડાસાના પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે પ્રાંત કચેરી ખાતે અગત્યની બેઠક બોલાવી હતી. જેમાં અબડાસા તાલુકાના તળાવો ઊંડા કરવાના આયોજન માટે ચર્ચા કરાઈ હતી. તેમજ આ યોજનામાં મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ આવરી લેવા સંદર્ભે ઉપસ્થિત અધિકારીઓ અને આગેવાનોના મંતવ્ય જાણવામાં આવ્યા હતા. આ બેઠકમાં મામલતદાર ડામોર અને ટીડીઓ ગોર વગેરે જોડાયા હતા. પાણી પહેલા પાળ કેવી રીતે બાંધી શકાય તે કહેવત સાર્થક થતી હોય તેમ વરસાદી જળના સંગ્રહ માટેની આ બેઠક મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.