અબડાસામાં સાંઘી રોડ પર લેબરોને લઈ જતી બોલેરો પલટી જતા ૧૬ ઘાયલ

લેબર કોલોનીથી જેટી તરફ જતા માર્ગ પર આજે સવારે બન્યો બનાવ : બોલેરો ચાલકે સ્પીડમાં કાવો મારતા અકસ્માત થયાનું પ્રાથમિક તારણ

ભુજ : અબડાસા તાલુકામા સાંઘી રોડ પર આજે સવારે અકસ્માતની ઘટના બનવા પામી હતી. લેબરોને લઈ જતી બોલેરો કાર એકાએક પલટી મારી જતા તેમાં ૧૬ લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે નલિયા અને ભુજની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ અબડાસા તાલુકામાં સાંઘી સિમેન્ટ કંપનીમાં કામ કરતા મજૂરો આ બનાવમાં ઘવાયા હતા. લેબર કોલોનીમાં રહેતા મજૂરો બોલેરોમાં બેસી જેટી તરફ જતા હતા. એ દરમિયાન રસ્તામાં બોલેરો પલટી જતા તેમાં સવાર પરપ્રાંતીય મજૂરો એકબીજા પર પટકાયા હતા. જેના કારણે ૧૬ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ બોલેરો ર૯ લોકો સવાર હોવાનું જાણવા મળ્યું હતું.
અકસ્માતની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ૧૦૮ તેમજ હાથવગા વાહનો વડે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં ૮ જેટલા લોકોને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા તો અમુકને નલિયા સીએચસી તેમજ ભુજમાં લેવા પટેલ હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા વાયોર પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પીએસઆઈ મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું કે, સાંઘીથી જેટી તરફ જતી બોલેરો કાર પલટી જતા તેમાં સવાર ૧૬ જેટલા મજૂરોને ઈજા થઈ હોવાનું જણાવી ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુમાં હોવાનું કહ્યું હતું. વાયોર પોલીસ સ્ટેશના હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચૌધરી, કોન્સ્ટેબલ જેતરાભાઈ ચૌધરી, માલસીંગ પરમાર સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા.