અબડાસામાં રૂા.૩.૪પ કરોડના ખર્ચે બનનારા ૭ માર્ગોનું ખાતમુહૂર્ત

સાંસદ વિનોદ ચાવડા, જી.પં.પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

 

નલીયા : અબડાસાના વિવિધ વિસ્તારમાં રૂા.૩.૪પ કરોડના ખર્ચે બનનારા ૭ માર્ગોનું ખાતમુહૂર્ત તેરા ખાતે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિ.પં.પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વક્તવ્ય આપતા કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, છેવાડાના અબડાસા તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર સતત સક્રિય રહ્યા છે. દેશલપરથી નલીયા સુધીના માર્ગનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. નુતન ભારતના નિર્માણમાં નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભારત પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે.ભાજપ માટે સત્તા એ સેવાનું માધ્યમ છે અને ગરીબ વર્ગ માટે નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની માહીતી આપી તેમણે જણાવ્યું હતું કે દરેક ગામડા સુધી લાઈટ પહોંચાડવાનું કામ કેન્દ્ર સરકારે સફળ બનાવી બતાવ્યું છે.કચ્છની ઘાસ-પાણીની સમસ્યા અંગે સરકારના મંત્રીઓએ કચ્છ આવી સમીક્ષા કરવા સાથે પાંજરાપોળોને ર રૂા.કિલો ઘાસની વ્યવસ્થા કરી છે.તેમણે અબડાસાના વિકાસ માટે દરેક કાર્યકરની અગત્યની ભુમિકા રહેલી છે તેમ જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયાએ ભાજપ સરકાર ગામડાઓના વિકાસ માટે પાયાની જરૂરિયાત એવા રસ્તાના કામો પ્રત્યે સતત જાગૃત છે અને અબડાસામાં રૂા.૩.૪પ કરોડથી વધુના ખર્ચે રસ્તા બની રહ્યા છે ત્યારે ૧૦ વરસ સુધી બનનાર રસ્તાની કાંકરી પણ ન હટે તેવા મજબુત કામો કરવા તેમણે અપીલ કરી હતી.
જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે રાજકારણ એ સમાજના વિકાસનું અનિવાર્ય અંગ અને સેવાનું માધ્યમ છે. સક્રિય લોક પ્રતિનિધીની ક્ષમતાના લીધે તે વિસ્તારનો વિકાસ થતો હોવાનું તેમણે જણાવી અબડાસાના વિકાસ કામો માટે પંચાયતની જિ.પં. અને સરકાર સુધી કોઈ કચાશ મુકાશે નહીં તેવી ખાતરી આપી હતી.તેમણે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરવાની અપીલ કરતા જણાવ્યું હતું કે અબડાસાના દરેક કાર્યકરે સરકારે કરેલા વિકાસકામોની સકારાત્મક વાત પ્રજા સુધી લઈ જવાની છે.
આ પ્રસંગે જિ.પં.મહિલા બાળ-વિકાસ સમિતિ અધ્યક્ષા ભાવનાબા પરેશસિંહ જાડેજા, જિ.પં.સભ્ય હાજી તકીશા બાવા, તા.પં.પ્રમુખ ઉષાબા નરેન્દ્રસિંહ જાડેજા, કારોબારી ચેરમેન મહેશોજીભાઈ સોઢા, સા.ન્યાય સમિતી ચેરમેન અજબાઈ ગોરડીયા, શાસક પક્ષના નેતા અરજણભાઈ ભાનુશાલી, માજી જી.પં.સભ્ય અનુભા પી.જાડેજા, કાનજી ગઢવી, તા.પં.સભ્યો હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા, જુવાનસિંહ પી.જાડેજા, મામદભાઈ સંઘાર, હાજી અલાનાભાઈ સુમરા, ચંદ્રકાંત ગોર, નરેન્દ્રભાઈ માસ્તર, ગીરીશ શાહ, તેરા સરપંચશ્રી જાડેજા, તેરા જૈન મહાજન અગ્ર્રણી રમેશભાઈ શાહ, ભાનુશાલી અગ્રણી લક્ષ્મીદાસ ભાનુશાલી, જટુભા જાડેજા, નરેન્દ્રસિંહ સુરુભા જાડેજા સાથે કામની એજન્સી નિરવ કન્સ.ના વેરસલજી ડાડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નિર્માણ થનાર કામોમાં એમએમજીએસવાય હેઠળ તેરા-બારા ફાટકથી તેરા જૈન દેરાસર રોડ રૂા.૪૦ લાખ, ભાનાડા એપ્રોચ રોડ રૂા.ર૦ લાખ, સરગુઆરા એપ્રોચ રોડ રૂા.પપ લાખ, એમએસજીઓડબલ્યુ હેઠળ ડુમરા-મજંલ રોડ રૂા.૭૦ લાખ, વાયોર-અકરી રોડ રૂા.૧૧૦ લાખ, ખાસ અંગભુત યોજના હેઠળ નાની વાંઢ એપ્રોચ રોડ રૂા.૪૦ લાખ અને નોડે વાંઢ એપ્રોચ રોડ રૂા.૧૦ લાખના કામ મળી કુલ્લ ૧૯.પ૦ કી.મી.ના કામ રૂા.૩૪પ લાખના ખર્ચે કરવામાં આવનાર છે.માર્ગ-મકાન ખાતાના અને અબડાસા તા.પં.ના મયુરસિંહ જાડેજા સહિતનાએ વ્યવસ્થા સંભાળી હતી.કાર્યક્રમનું સંચાલન પરેશસિંહ બનુભા જાડેજાએ અને આભારવિધી કારોબારી ચેરમેન મહેશોજી સોઢાએ કરી હતી.