અબડાસામાં ખાનગી વેપારીઓ દ્વારા ઘઉં ખરીદીમાં  ‘હવા’ના નામે ભાવકાપથી ખેડૂતોનું શોષણ

સરકારી રાહે નલિયા અને કોઠારામાં ખરીદ કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત પણ કેટલી મર્યાદામાં બાચકા ખેડુત દીઠ લેવાશે તેની કોઈ ચોખવટ ન હોઈ અવઢવ : આ વખતે સાઉથની પાર્ટીઓના કન્ટેનર સોદાઓ પણ ઠપ્પ

નલિયા : અબડાસામાં આ વખતે સારા વરસાદ અને અનુકુળ વાતાવરણના લીધે તાલુકામાં ઘઉંનું મબલખ વાવેતર ખેડુતોએ કર્યા બાદ હવે ખેડુતોએ લણણી કર્યા બાદ ખાનગી વેપારીઓ દ્વારા “હવા”ના નામે ભાવકાપથી ખેડુતોનું શોષણ થઈ રહ્યું હોવાની ફરીયાદો ઉઠી રહી છે.

ખેડુત સુત્રોમાંથી મળતી માહીતી મુજબ આ વરસે અબડાસામાં ઘઉંનું વિક્રમી ઉત્પાદન થયું છે.સારા વરસાદ અને અનુકુળ વાતાવરણના લીધે ફાલ પણ સારો હોઈ ખેડુતોને સારી કમાણીની અપેક્ષા હતી પરંતુ ખાનગી વેપારીઓ દ્વારા “હવા”ના નામે ખેડુતો પાસે બજારભાવમાંથી કપાત કરવાની રીતરસમો અપનાવાતા ખેડુતોને શોષણ થઈ રહ્યું હોવાની લાગણી થઈ રહી છે.”હવા”ના નામે ખેડુતોના ખેતરમાં જઈ સેમ્પલ લેવાય છે અને ભેજ માપવાના નાનકડા મશીન સાથે વેપારીઓ તમારા ઘઉંમાં “હવા” એટલે કે ભેજ આટલા ટકા છે તેમ જણાવી ભાવમાંથી કપાત કરવાનું જણાવે છે.આ અંગે એક જાણકાર ખેડુતને પુછતા તેમણે જણાવ્યું હતું કે હાલ તાલુકમાં જે ઘઉં તૈયાર થયા છે તેમાં ભેજનું પ્રમાણ ૧પ ટકા કે તેનાથી વધુ છે જ્યારે વેપારીઓ પાસેથી મીલવાળા ૧૩ ટકાથી વધુ ભેજ એટલે કે “હવા” ચલાવતા નથી જેના લીધે ખેડુતો અને ખાનગી વેપારીઓના સોદા થતા નથી અને માથકુટ થવા સાથે ખેડુતો ખાનગી વેપારીને માલ વેચવો હોય તો નુકશાની સહન કરવી પડે છે.સરકારી રાહે મોટા ઉપાડે કોઠારા અને નલીયા ખાતે ઘઉં ખરીદ કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરાઈ છે પણે કેટલી મર્યાદામાં ખડુત દીઠ બાચકા લેવાશે તેની કોઈ ચોખવટ ન હોઈ ખેડુતોને ડબલ માર સહન કરવા સાથે આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે.ભાજપ આમ તો ખેડુતોના કલ્યાણના નામે ખેડુત આંદોલન ખોટું ગણાવી રહી છે પણ અબડાસામાં ખેડુતોના પ્રશ્નો જે સાચા છે જેવા કે કોઠારા એપીએમસી, વિજળી સમસ્યા, ખાતરની તંગી વગેરે પ્રશ્નો ઉકેલવા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેના લીધે ખેડુતો આ વરસે ઘઉંના મબલખ પાક છતા ખાનગી વેપારીઓના શોષણનો ભોગ બનતા હોઈ યોગ્ય વ્યવસ્થા તાલુકામાં ગોઠવાય તે જરૂરી બન્યું છે.