અબડાસાની અતિવૃષ્ટિ બાદ ખેડૂતો માટે સરકારે ફાળવી પ.પ૭ કરોડની ગ્રાન્ટ

ભુજ : જુલાઈ માસમાં અબડાસામાં થયેલ ભારે વરસાદના કારણે ખેતીવાડીમાં વ્યાપક નુકસાની પહોંચી હતી. ઉપરાંત અનેક પાકો સડી ગયા હતા. અતિવૃષ્ટિના કારણે અબડાસાના અનેક ગામોમાં વરસાદ બાદ પણ ચારેક દિવસ બાદ પાણી ઓસર્યા ન હતા અને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાની પહોંચી હતી. અતિવૃષ્ટિ સમયે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે. જે માટે વરસાદના એકાદ સપ્તાહ બાદ જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા અબડાસામાં ખેતીનું સર્વે હાથ ધરાયું હતું. જે ૧૮ જેટલી ટીમોએ સર્વે કરીને રિપોર્ટ ખેતીવાડી અધિકારીને સોપયો હતો. સરકારના નિયમ મુજબ ૩૩ ટકાથી વધુ નુકસાની થાય તો જ ખેડૂત સહાય મેળવવા પાત્ર રહે છે. જેથી અબડાસામાં જે વિસ્તારોમાં વધુ નુકસાની થઈ હતી તેવા વિસ્તારોનો સર્વે હાથ ધરાયો હતો. જેથી અબડાસાના વિવિધ ગામોમાં પ૭૦૬ હેકટરમાં ૩૩ ટકાથી વધુ નુકસાની થઈ હોવાનો રિપોર્ટ ખેતીવાડી અધિકારીને સોંપાયો હતો અને ત્યારબાદ રાજ્ય સરકારને દરખાસ્તનો રિપોર્ટ મુકવામાં આવ્યો હતો.
સરકારે રિપોર્ટના આધારે સહાય મેળવવા પાત્ર લોકો માટે ગ્રાન્ટ ફાળવણી કરી છે. ખેતવાડી અધિકારી યશોધર સિહોરાએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવી છે ને આગામી સપ્તાહેથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આરટીજીએસથી જમા કરાવવામાં આવશે. ત્યારે કુદરતના કહેરથી નષ્ટ થયેલ ખેડૂતોના પાક બાદ જગતના તાતને થોડી રાહત થશે. અબડાસામાં અતિવૃષ્ટિના કારણે અનેક લોકોની ખેતીને નુકસાન થયું હતું, પરંતુ સહાય ચુકવવાની વ્યાખ્યામાં ન આવતા હોવાથી અને ૩૩ ટકાથી ઓછી નુકસાની થઈ હોય તેવા ખેડૂતોને ખોટ ભોગવવી પડી છે.