અબડાસાના સાંયરામાં પારિવારીક અદાવતે મારામારીનો બનાવ

ચાર વર્ષ પૂર્વે ભાગીને લગ્ન કરનારને સહકાર આપ્યાના મનદુઃખે ચાર શખ્સોએ કરી મારામારી : કોઠારા પોલીસે ગુનો નોંધી ઘટનાની હાથ ધરી તપાસ

નલિયા : અબડાસા તાલુકાના સાંયરા ગામે બે પરિવારો વચ્ચે મારા મારીનો બનાવ બન્યો હતો. જેમાં કોઠારા પોલીસ મથકે ચાર શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. ચાર વર્ષ પૂર્વે એક યુવતીએ ભાગીને લગ્ન કર્યા બાદ તેને સહકાર આપવાના મનદુઃખે મારામારી થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ બુધિયાભાઈ ઈસ્માઈલભાઈ કોલીએ આરોપી ઓસ્માણ જેમલ કોલી, જિતેન્દ્ર ઓસ્માણ કોલી, નરશી ઓસ્માણ કોલી (રહે. ત્રણેય જખૌ, તા. અબડાસા) તેમજ લાલજી અલી કોલી (રહે. સાંયરા, તા.અબડાસા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ ફરિયાદીના ઘેર આવીને લાકડી-ધોકા વડે ફરિયાદી અને સાહેદો સાથે મારકૂટ કરી હતી. આરોપીની બહેને ચારેક વર્ષ પૂર્વે ભાગીને લગ્ન કર્યા હતા અને ફરિયાદી દ્વારા તેને સહકાર આપવામાં આવતા તેના મનદુઃખે માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી ભુંડી ગાળો આપી હતી. બનાવને પગલે કોઠારા પોલીસે ગુનો નોંધતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણાએ આગળની તપાસ હાથ ધરી છે.