નલિયા : અબડાસાના મુખ્ય મથક નલિયામાં ગૌચર જમીન પરનું દબાણ દુર કરવા રાજ્યના ગાપ્રેમી અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફરીયાદ અરજી કરવામાં આવી છે.નલિયાના ભાનુશાલી અગ્રણી નાનજી જેઠાલાલ ભાનુશાલી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફરયાદ કરતો પત્ર લખેલ છે જેમાં અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે હજારો એકર ગૌચર જમીન ખેડવામાં આવે છે અને પશુધનના ચરીયાણ માટે એક પણ એકર જમીન ખુલ્લી નથી તેવી રજુઆત કરાઈ છે. પશુધન ગામમાં કચરા ખાય છે અને સીમની અંદર પશુધન માટે એક પણ એકર ખુલ્લી જમીન નથી.સીમતળ તથા અંદર તળાવના અગોર પણ ખેડી નાંખવામાં આવેલ છે તેમજ રસ્તા પણ નથી મુક્યા તેને પણ ખેડી નાંખયા હોઈ પશુધન પાણી પીવા પણ જઈ શકતા નથી. ખરી હકીકતે સરકારના નિયમ અનુસાર જો ગ્રામ પંચાયત ગૌચર જમીન ખાલી ન કરાવે તો સુપરસીડ પંચાયત થાય તેવો નિયમ છે તેમ છા પંચાયત દ્વારા આજ દિવસ સુધી ગૌચર જમીન ખાલી કરવા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી તેવો આક્ષેપ નાનજીભાઈએ મુખ્યમંત્રીને કરેલ ફરીયાદમાં કર્યો છે. નલીયામાં પશુધનના ચરીયાણ માટે ગૌચરનો વિકટ પ્રશ્ન છે અને હજારોની સંખ્યામાં પશુધન ભુખ્યો મરે છે તેમ જણાવી એક સંવેદનશીલ અને જીવદયાપ્રેમી મુખ્યમંત્રી તરીકે અબડાસાના પશુધનને બચાવવા ગૌચર દબાણો પર કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે.અગાઉના પાંચથી સાત દુકાળ હોવા છતા પશુધન ગૌચરના લીધે બચી જવા પામેલ હોઈ ગુજરાત સરકારને મજબુત બનાવવા ગૌચર પ્રશ્ને કડક હાથે કામ લેવા નાનજીભાઈ ભાનુશાલી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.