અબડાસાના બુટામાં પાકમાં છાંટવાની દવા પી જનાર મહિલાનું મોત

મુંદરામાં વિલ્માર કંપની સામેની કોલોનીમાં યુવાનનું અગમ્ય કારણોસર મોત

નલિયા : અબડાસાના બુટા અને મુંદરાના મોટા કપાયામાં કંપની કોલોનીમાંઅપમૃત્યુના બે બનાવો બન્યા હતા. જેમાં બુટાની મહિલાએ ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો મોટા કપાયામાં યુવાનનું અગમ્ય કારણોસર મૃત્યુ થયું હતું.પ્રાપ્ત વિગતો મુજબ અબડાસાના બુટા ગામે સવિતા મહેશ કોલી (ઉ.વ.ર૭) નામની મહિલાએ ગત તા.૪/૪ના પોતાના ઘેર અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની દવા પી લીધી હતી. હતભાગીને પ્રથમ સારવાર માટે નલિયા સીએચસીમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં મોડી રાત્રે ર વાગ્યાના અરસામાં મહિલાએ દમ તોડ્યો હતો. બનાવને પગલે વાયોર પોલીસને જાણ કરાતા અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. તો બીજી તરફ મુંદરાના મોટા કપાયામાં વિલ્માર કંપનીની સામે આવેલી કોલોનીમાં રણજીતકુમાર સરયુ ઠાકોર શર્મા (ઉ.વ.ર૩) નામના યુવાને અગમ્ય કારણોસર દમ તોડ્યો હતો. હતભાગી પોતાના રૂમમાં બેભાન હાલતમાં મળી આવતા તેને મુંદરા સીએચસીમાં ખસેડાતા ફરજપરના તબીબે મૃત જાહેર કર્યો હતો.