અબડાસાના નરેડી ગામે બાઈક પરથી પટકાતા પતિની નજર સમક્ષ પત્નીનું મોત

નરેડી ગામે પુલની પાપડીમાં બન્યો બનાવઃ બાઈક ચાલક સામે પોલીસે નોંધી ફોજદારી

 

નલિયા : અબડાસા તાલુકાના નરેડી ગામ નજીક પુલની પાપડી પર બાઈક ઉપરથી પડી જતાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું મોત થવા પામ્યું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોથાળા ગામે રહેતું જૈન દંપતિ ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં મોટર સાઈકલ ઉપર જતું હતું, ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. ભવાનજીભાઈ વાલજીભાઈ શાહ તથા તેમના પત્ની કલાવતીબેન શાહ (ઉ.વ. ૬૮) બંને જણા મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર સી.કે. ૪૩૮પ પર જતા હતા, ત્યારે નરેડી ગામ નજીક રોડ પરની પાપડીમાં અચાનક બાઈક પાછળથી પડી જતાં કલાવતીબેનને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં સારવાર નસીબ નિવડે તે પહેલા મોત આંબી ગયું હતું. પતિની નજર સમક્ષ પત્નીનું મોત થતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસે હસમુખભાઈ રતિલાલ શાહ (રહે મોથાળા)ની ફરિયાદ પરથી બાઈક ચાલક ભવાનજીભાઈ શાહ સામે ગુનો નોંધી પીએસઆઈ એ.એન. પ્રજાપતિએ તપાસ હાથ ધરી હતી.