અબડાસાના જખૌના જમીન કૌભાંડમાં ધરપકડથી બચવા તલાટી ફરાર

જખૌ અને તેની આજુબાજુના ગામોની પાકિસ્તાની જમીન ધારકોની ખાલસા થયેલ જમીનો અને અબડાસાના અન્ય ગામોની આવી જમીનો છેલ્લા ૧૦ વરસમાં ખોટા સોગંદનામાઓના આધારે વેંચી મારવાના સુવ્યવસ્થિત ષડયંત્રની કલેક્ટર કચેરીમાં ખાસ નિભાવવામાં આવેલા રજીસ્ટર સાથે કચ્છના કડક કલેક્ટર ચકાસણી કરે તો અબડાસાના અબજાના કૌભાંડની સિલસિલાબંધ હકીકતો બહાર આવવા સાથે ભાજપ-કોંગ્રેસની મીલીભગતવાળા અનેક મોટા માથાઓના કાળા કરતુતોનો થાય પર્દાફાશ : અબડાસાની મામલતદાર કચેરી કૌભાંડનું એપીસેન્ટર હોવાની ચર્ચા ?

 

બોગસ આધારો ઉભા કરી ટ્રાન્સફર કરી દેવાયેલ મિલ્કતોના મામલે પુર્વ સરપંચ જેલના સળીયા ગણી રહ્યા છે તે વચ્ચે સરકારી કર્મચારી પોબારા ગણી જતા મોટા કૌભાંડની સેવાઈ રહેલી શક્યતા : જખૌ પોલીસ સંડોવાયેલાઓ પૈકી અમુક જણને છાવરી રહી હોવાની ઉઠી રહેલી ફરીયાદો

 

નલીયા : અબડાસા તાલુકાના જખૌ મધ્યે બોગસ આધારો ઉભા કરી ટ્રાન્સફર કરી દેવાયેલ જમીન મામલે ફોજદારી દાખલ થતા પુર્વ સરંપચ અને અન્યો જેલના સળીયા ગણી રહ્યા છે તે વચ્ચે સંભવિત ધરપકડથી બચવા જખૌના સરકારી કર્મચારી એવા તલાટી ફરાર થઈ જતા આ પ્રકરણ મોટું હોવાનું અને આવા અનેક પ્રકરણો ખુલે તેવી શક્યતાઓ જાવાઈ રહી છે.
જાણવા મળતી વિગતો અનુસાર અબડાસા તાલુકાના જખૌ મધ્યે એક મિલકતધારકની મિલકત બોગર આધારો ઉભા કરી અન્યના નામે ટ્રાન્સફર કરી દેવાના પ્રકરણમાં જખૌ જુથ ગ્રામ પંચાયતના માજી સરપંચ તથા તેમાં મદદગારી કરનારા હાલ જેલહવાલે છે.આ પ્રકરણમાં સંભવિત ધરપકડના ભયે જખૌ જુથ ગ્રામ પંચાયતના તલાટી રોહિત ડાભી હાલ ફરાર થઈ ગયા છે.આગોતરા જામીન મેળવવા અને નોકરી બચાવવા માટે તેઓ સંડોવણીથી બચવા ફરાર થઈ ગયા છે અને છેલ્લા આઠથી દસ દિવસથી તેમનો કોઈ પત્તો મળતો નથી.આ પ્રકરણમાં જખૌ પોલીસની તપાસ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અને જખૌ પોલીસ દ્વારા સંડોવાયેલાઓ પૈકી અનેક જણાને જખૌ પોલીસ છાવરી રહી હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે.તલાટી તો ફરાર થઈ ગયા પણ જે સ્થાનિક ઉપલબ્ધ છે તેમની પણ ધરપકડ જખૌ પોલીસ ટાળી રહી છે જેની પાછળ મોટા માથાઓનું દબાણ અને પ્રલોભન હોવાની ચર્ચા સ્થાનિકે થઈ રહી છે ?
આ પ્રકરણ તો પાશેરામાં પુણી સમાન છે અને તેની સર્વગ્રાહી તપાસ કરાય તો અબડાસાના જખૌ અને તેની આજુબાજુના ગામો અને સમગ્ર અબડાસામાં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાન ચાલ્યા ગયેલા નાગરીકોની જે જમીનો અને મિલ્કતો હતી તેને છેલ્લા ૧૦ વરસમાં બોગસ સોગંદનામાઓના આધારે વેંચી મારવાના અબજાના કૌભાંડનો આ પ્રકરણ થકકી ખુલાસો થાય તેમ છે.કચ્છની કલેક્ટર કચેરીમાં પાકિસ્તાની નાગરીકોની આવી ખાસલા થયેલ મિલક્તોનું ખાસ રજીસ્ટર નિભાવવામાં આવે છે.કચ્છના કડક આઈ.એ.એસ. અધિકારી કલેક્ટર સુશ્રી રમ્યા મોહન દ્વારા છેલ્લા વરસોમાં આવી મિલક્તોના વેંચાણ કે ટ્રાન્સફરની વિગતો આ રજીસ્ટર સાથે ચકાસણી કરાય તો ભાજપ-કોંગ્રસની મીલીભગતવાળા આ અબજાના કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે.આ કૌભાંડમાં અબડાસાની મામલતદાર કચેરીના અમુક વરસોથી ચીપકી બેઠેલા અધિકારી – કર્મચારીઓની મીલીભગત હોવા સાથે અબડાસાની મામલતદાર કચેરી આ કૌભાંડનું એપી સેન્ટર હોવાની પણ ચર્ચા ? હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
આ આ પ્રકરણે જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને કચ્છના કલેક્ટરશ્રી દ્વારા નિષ્પક્ષ તપાસ કરાય તો મોટા અને અબજાના કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે.