અબડાસાના જંગડીયામાં પાણીની લાઈન નાખવા બાબતે મારામારી

નલિયા : અબડાસા તાલુકાના જંગડીયા ગામે પાણીની લાઈન નાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં બે શખ્સોએ યુવાન પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા વાયોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી શંકરલાલ ગોપાલ ગરવાએ અરવિંદ વિશ્રામ અને ભાણજી વિશ્રામ નામના બે ભાઈઓ વિરૂધ્ધ વાયોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ફરિયાદી સાથે પાણીની લાઈન નાખવા બાબતે બોલાચાલી કરી હતી. બન્નેએ ભેગા મળીને ફરિયાદીને મોઢામાં અને છાતીમાં નખના ઉઝરડા કર્યા હતા. તેમજ શરીરે બચકા ભરીને ધકબુશટનો માર માર્યો હતો. તો ભૂંડી ગાળો આપીને આરોપીઓ લાકડી અને કુહાડી લઈને ફરિયાદીની પાછળ દોડ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે વાયોર પોલીસ મથકે ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.