અબડાસાના ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર ચોમાસા બાદ ઝાડી કટીંગ ન થતા જીવાતનો ઉપદ્રવ

નલીયા : આ વરસે અબડાસામાં સારો વરસાદ થવાના લીધે ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર બાવળો ઉગી નીકળ્યા છે જેની કટીંગ ન થતા જીવાતનો ઉપદ્વવના લીધ વાહન ચાલકો પરેશાન થળ રહ્યા છે. આ વરસે અબડાસામાં ભારે વરસાદના લીધે જંગલી બાવળ તથા અન્ય ઝાડી ગ્રામ્ય માર્ગોની બંને તરફ ઉગી નીકળી છે.ઝાડીના લીધે રસ્તાઓ સાંકડા બની જતા એસ.ટી. બસોને પસાર થવામાં તકલીફ થઈ રહી છે તો સવાર-સાંજ આ માર્ગો પર ઝાડીમાં રહેલા જીવાતના લીધે દ્વિ-ચક્રી વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે.દર વખતે ઝાડી કટીંગનું કામ રાજ્ય માર્ગ-મકાન વિભાગ અને જીલ્લા-તાલુકા પંચાયતના માર્ગ-મકાન વિભાગ દ્વારા કરાતું હોય છે પણ આ વખતે તેવી કામગીરીનો હજુ સુધી પ્રારંભ ન કરાતા રસ્તાઓ સાંકડા બનવાના લીધે અકસ્માતનો ભય પણ ઉભો થયો છે.સમયસર ઝાડી કટીંગ કરવા સાથે ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓમાં પડેલા ખાડાઓ તથા સાઈડોમાં થયેલ ધોવાણમાં માટી પુરી રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ અબડાસા તાલુકા પંચાયત વિપક્ષી નેતા અબ્દુલાભાઈ ગજણે કરી છે.