અબડાસાના ખિરસરા કોઠારાના યુવાનની કરાઈ કરપીણ હત્યા

કોઠારામાં નાયરી નદીના કાંઠે આવેલા ગટરના પાણીના ખાલી ટાંકામાંથી મળી આવ્યો મૃતદેહ : ગઈકાલથી લાપતા થયેલા યુવાનનો તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકેલી હાલતમાં મળ્યો મૃતદેહ : બનાવને પગલે કોઠારા પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ


નલિયા : અબડાસાના ખિરસરા કોઠારા ગામના યુવાનની કરપીણ હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. કોઠારામાં આવેલી નાયરી નદીના કાંઠે ગામની ગટરના પાણીના ખાલી ટાંકામાંથી હતભાગી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ગઈકાલથી લાપતા થયેલા યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. બનાવને પગલે કોઠારા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અબડાસાના ખિરસરા કોઠારા ગામમાં રહેતો 19 વર્ષિય મિતરાજસિંહ હઠીસિંહ જાડેજા નામનો યુવાન ગઈકાલથી લાપત્તા બન્યો હતો. હતભાગી લાપત્તા બનતા પરિવારજનો દ્વારા તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને કોઈને પણ આ યુવાન મળે તો તેના પરિવારનો સંપર્ક કરવા જણાવાયુ હતુ. દરમિયાન શનિવારે સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં મિતરાજસિંહ જાડેજાનો મૃતદેહ મળ્યો હતો. બનાવ અંગે પ્રથમિક વિગતો આપતા કોઠારાના પીએસઆઈ ગુલાબસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, કોઠારામાં આવેલી નાયરી નદીના કાંઠે ગામની ગટરનો પાણીનો ટાંકો આવેલો છે. જે અંદાજે 50 ફૂટ ઊંડો છે. આ ખાલી ટાંકાની દિવાલની અંદરથી હતભાગી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મિતરાજસિંહ જાડેજા ગઈકાલથી લાપતા થયો હતો. જેની તપાસ પરિવારજનો અને પોલીસે હાથ ધરી હતી. દરમિયાન યુવાનનો મૃતદેહ મળ્યો હતો. પીએસઆઈ ગુલાબસિંહ જાડેજાએ ઉમેર્યુ હતુ કે, હતભાગી યુવાનના શરીરે ધારિયુ કે કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા હોવાની નિશાની જોવા મળી છે. બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક હતભાગીના મૃતદેહને પી.એમ માટે ખસેડાયો હતો. તો સ્થળ પર પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરીને પોલીસે વિધિવત્ત ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.