અબડાસાના કાળા તળાવમાં વીજશોકને કારણે મોરના ટહુકા વીલાયા

પીજીવીસીએલની લાઈનમાંથી વીજશોક લાગતા રાષ્ટ્રીય પંખીનું મોત

નલિયા : અબડાસા તાલુકાના કાળાતળાવમાં વીજશોક લાગતા રાષ્ટ્રીય પંખી મોરના ટહુકા વીલાયા હતા. સરહદી કચ્છમાં અને ખાસ કરીને અબડાસા તાલુકામાં અવારનવાર વીજશોકને કારણે મોરના મોત નીપજી રહ્યા છે, તેવામાં વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાને પગલે નાનકડા એવા કાળાતળાવના ગ્રામજનોમાં રોષ પ્રર્વત્યો હતો. તો પક્ષી પ્રેમીઓની લાગણી પણ દુભાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ અબડાસાના કાળાતળાવમાં વધુ એક મોરનો વીજશોક લાગવાને કારણે મોત નિપજયું હતું. કાળાતળાવના સ્થાનીકોના જણાવ્યા પ્રમાણે ગામની નજીકથી પસાર થતી પીજીવીસીએલની વીજ લાઈનમાંથી મોરને વીજશોક લાગ્યો હતો. આજે સવારના અરસામાં બનેલા બનાવને કારણે સ્થાનિકોએ વીજતંત્ર તેમજ વનતંત્રને જાણ કરી હતી. આ અંગે નલિયા રેન્જના આરએફઓ વી. બી. ઝાલાનો સંપર્ક કરતા તેઓ કલેકટર કચેરી ખાતે મિટીંગમાં વ્યસ્ત હતા. મોરના મોત અંગેના સમાચાર તેઓને માધ્યમો મારફતે મળ્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ સમગ્ર ઘટના અંગે ટીમને મોકલી તપાસ કરાવ્યા બાદ હકિકત ખ્યાલ આવે તેવું તેમણે જણાવ્યું હતું.