અન્ય તમામ ગાડીઓ પૂર્વ કચ્છ ‘ગાંધીધામ’ની હોવાનું ઘટસ્ફોટ

પાસીંગ કરાવનાર ચીટરોએ ફોર્મમાં અધુરી વિગતો ભરી : ફોન નંબર એડ્રેસ ખોટા લખ્યાનું ખુલ્યું : આરટીઓ કાંડની તપાસ એએસપીએ હાથમાં લઈને ગાંધીધામ મોકલી ટીમ

 

ભુજ : આરટીઓ બોગસ પાસીંગકાંડમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે સરકારી ચોપડે બોગસ રીતે ચડાવાયેલી ર૯૭ ગાડીઓ પૈકી પપ ગાડીઓ તો ભુજના કે. ડી. મોટર્સ ડીલરની હોવાનું ખુલ્યું હતું જ્યારે અન્ય તમામ ગાડીઓ ગાંધીધામની હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આરટીઓના બોગસ બેકલોગ એન્ટ્રી કાંડની તપાસ નખત્રાણાના એએસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ પોતાના હાથમાં લઈને ગંભીરતા પૂર્વક તપાસ આદરી છે. ગઈકાલે ભુજની આરટીઓ કચેરીમકાં ધસી ગયેલા એએસપીએ ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. તેમણે બોગસ રીતે કરાયેલી બેકલોગ એન્ટ્રીની ચકાસણી કરવા સંદર્ભે આરટીઓ શ્રી યાદવ સહિતના કલાર્ક અને અન્ય કર્મચારીઓની પુછપરછ કરી હતી. જેમાં કેટલીક નવી વિગતો પણ સામે આવી હતી. ર૯૭ ગાડીઓ બોગસ રીતે પાસીંગ કરાવવામાં પપ ગાડીઓ તો ભુજના કે. ડી. મોટર્સ નામના ડીલરની હોવાનું ખુલ્યું હતું અને તેમની રીપાસીંગ કરાઈ હતી જ્યારે અન્ય ગાડીઓ પૂર્વ કચ્છ ગાંધીધામની હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ તપાસકર્તા એએસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ કહ્યું હતું કે, બોગસ રીતે એન્ટ્રી કરનારા ચીટરોએ પુરતી વિગતો પણ ફોર્મમાં ભરી નથી. આ ઉપરાંત મોબાઈલ નંબર અને એડ્રેસ પણ ખોટા દર્શાવાયા હોવાનું જાણવા મળ્યું છે તેથી પોલીસની તપાસ પર બ્રેક લાગી ગઈ છે. ર૯૭ પૈકીની ર૪ર જેટલી ગાડીઓ ગાંધીધામની હોવાનું ઘટસ્ફોટ થતા એએસપી સહિતની ટીમે ગાંધીધામમાં ધામા નાખીને તપાસ આરંભી છે. જો કે, ગાંધીધામના કયા ડિલરો અને એજન્ટોની આમા સંડોવણી છે, તેની હજુ સુધી સ્પષ્ટતા થઈ ન હતી.