અદાલતના હુકમની અમલવારી ન કરાતા આરોપી જેલ હવાલે

ગાંધીધામ : આરોપી સુનિલ સુદર્શન યાદવને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કાયદા તળે ફોજદારી કેસમાં થયેલ સજા ભોગવવા કોર્ટ દ્વારા સજા-વોરંટ ઈશ્યુ કરાતા આરોપીને ગળપાદર જેલમાં સજા ભોગવવા માટે મોકલવવામાં આવેલ છે. આ કેસની વિગત એવી છે કે ફરીયાદી પરેશ જેઠાનંદ લધર તથા તેમના ભાઈ હરેશ જે. માહેશ્વરી જેઓ મે. જય અંબે બલ્ક કેરીયર્સના નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે, તેમણે આરોપી પાસે પોતાના ટેન્કર ભરાવેલ તથા ભાડાની ચુકવણી પેટે આરોપી દ્વારા ફરીયાદીને ચેક આપવામાં આવેલ તથા વિશ્વાસ આપેલ કે ચેક બેંકમાં રજુ કરવા વટાઈ જશે, જે ચેક ફરીયાદી દ્વારા બેંકમાં રજુ કરતા સદર ચેક અપુરતા ભંડોળ સબબ પરત થતાં ફરીયાદી દ્વારા આરોપી સામે વર્ષ ર૦૦પ માં ગાંધીધામ કોર્ટમાં ચેક પરત થયાની ફરીયાદી દાખલ કરેલ, જે ફરીયાદ કામે આરોપીને ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ સાહેબ દ્વારા આરોપીને ૬ માસની કેદ તથા ફરીયાદીને ચેકની રકમ વળતર પેટે ચુકવવા સને ર૦૧૯માં હુકમ કરેલ, જે હુકમ સામે આરોપી તરફથી ગાંધીધામની સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી, સજા મોકુફી માટે માંગણી કરતા, સેશન્સ કોર્ટ દ્વારા રૂા.૧૦૦૦૦૦ ૬૦ દીવસમાં કોર્ટમાં જમા કરાવવા તથા રૂા.૧પ૦૦૦ જામીન આપવા હુકમ કરી, સજા મોકુફીનો હુકમ કરાયો હતો.આરોપી દ્વારા સદર શરતોનું પાલન ન કરતા, ફરીયાદ પક્ષ દ્વારા સજા મોકુફીનો હુકમ રદ કરવા હુકમ કરવા અરજ કરતા સેશન્સ જજ પરાશર દ્વારા આરોપીને હુકમનું પાલન તથા હુકમની સમજણ નથી વગેરે તારણો આપી, સજા મોકુફીનો હુકમ રદ કરી, આરોપી સુનિલ સુદર્શન યાદવની સામે સજા વોરંટની બજવણી કરવા હુકમ કરેલ, જે પરત્વે આરોપીની ધરપકડ કરી ગળપાદર જેલમાં સજા ભોગવવા મોકલાવવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફથી સિનિયર એડવોકેટ એ.એને કેલા તથા તેમની સાથે લલિત કેલા અને મંજુલા કેલા હાજર રહી કેસની કાર્યવાહી કરી હતી.