અદાણી મેડીકલ કોલેજ દ્વારા એમબીબીએસના નવા છાત્રોનો સત્કાર સમારોહ યોજાયો

જી.કે. જનરલ ખાતે ટ્રોમાં સેન્ટર બનાવવા રૂ. એક કરોડ ફાળવવાની જાહેરાત કરાઈ

ભુજ : ગુજરાત અદાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીસ દ્વારા ચલાવતી મેડીકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસક્રમમાં ૨૦૧૭-૧૮માં પ્રવેશ મેળવનાર નવા છાત્રોના સ્વાગત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. અંદાજીત ૧૫૦ જેટલા છાત્રોએ આ વર્ષે ભુજની અદાણી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે.
આ પ્રસગની શોભા વધારવા સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા મુખ્ય અતિથી તરીકે તથા ડો નીમાબેન આચાર્ય ધારાસભ્ય, શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા પ્રમુખ જીલ્લા પંચાયત અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ના કુલપતિ ડો. સી.બી. જાડેજા  ઉપસ્થિત રહીને છાત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સમારંભમાં નવા દાખલ થયેલ છાત્રો ને વરિષ્ઠ છાત્રો દ્વારા આવકાર આપવામાં આવેલ અને તબીબી અભ્યાસક્રમ માં નવા દાખલ થયેલા છાત્રોને તેમના આ ઉમદા વ્યવસાયમાં પ્રવેશને પ્રતીકાત્મક સફેદ કોટ પહેરાવીને સ્વાગત કરવામાં આવેલ હતું.
સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા દ્વારા નવા દાખલ થનાર વિદ્યાર્થીઓને આ ઉમદા વ્યવસાયમાં જોડાવવા બદલ અભિનંદન આપેલ. જી.કે. જનરલ હોસ્પીટલનો વહીવટ હાથમાં લઈને તેની સેવાની ગુણવતામાં ઉત્તરોત્તર સુધારો કરવા બદલ અદાણી પરિવારના કાર્યને બિરદાવ્યું હતું તથા આ પ્રસંગે કચ્છમાં ક્રોમા સેન્ટર ઉપલબ્ધ ન હોવાના કારણે અકસ્માતમાં ઈજાઓ પામનાર લોકોને અમદાવાદ ખસેડવું
પડે છે. જ્યારે હવે જી કે જનરલ હોસ્પિટલમા ક્રોમા સેન્ટરની સુવિધાઓ શરૂ કરવામાં આવનાર છે. જે માટે કેન્દ્ર સરકાર તરફથી ૫૦ લાખ રૂપિયાની જાહેરાત કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કરી હતી. તો જિલ્લા પંચાયતના પ્રમુખે પણ ડીડીઓ સાથે પરામર્શ કર્યા બાદ ૫૦ લાખ રૂપિયાની સહાય આપવાની વાત કરી હતી. અઢી કરોડ રૂપિયાના ખર્ચે ક્રોમા સેન્ટરની સુવિધા ઉપલબ્ધ થવાની છે. જેમાં દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે તેવું જમાવાયું હતુ. ધારાસભ્ય ડો નીમાબેન આચાર્યે વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ બદલ અભિનંદન પાઠવ્યા હતા. જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયાએ નવા છાત્રોને કચ્છમાં વસીને અહીના લોકોની સેવા કરવા ભલામણ કરેલ. તેઓએ જીલ્લા પંચાયતના બજેટ માંથી રૂ.૫૦ લાખ ટ્રોમાં સેન્ટર ઉભું કરવા ફાળવવાની જાહેરાત કરી હતી. કચ્છ યુનીવર્સીટીના વાઈસ ચાન્સેલર, ડો. સી.બી. જાડેજા દ્વારા અદાણી મેડીકલ કોલેજને તાજેતરમાં જ ડીએમએલટી (ડીપ્લોમાં ઇન મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી) કોર્સને માન્યતા આપવામાં આવેલ છે તેની જાહેરાત કરી હતી. આ કોર્સ વર્ષ ૨૦૧૭-૧૮ થી ૩૦ બેઠકો સાથે ચાલુ થનાર છે.
આ પ્રસંગે અદાણી ગ્રુપ ના હેડ હેલ્થકેર ના વડા ડો. પંકજ દોશી, ગેઈમ્સના મેડીકલ ડાયરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવ, ગેઈમ્સના ડીન ડો.ગુરુદાસ ખીલનાની અને મેડીકલ સુપરીન્ટેન્ડન્ટ ડો એન.એન ભાદરકા, ડો. ડાભી સહિત  ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કરેલ હતું. ડીન, ડો. ખીલનાની દ્વારા અનુસ્નાતક અભ્યાસક્રમમાં એમઆઈસી દ્વારા અત્યાર સુધીમાં વિવિધ અનુસ્નાતક શાખાઓમાં કુલ ૪૬ બેઠકો અદાણી મેડીકલ કોલેજને ફાળવવામાં આવેલ હોવાનું જણાવેલ હતું. આ પ્રસંગે અભ્યાસ કરી રહેલા વરિષ્ઠ વિદ્યાર્થીઓને વિવિધ તબીબી શાખા અને સેમિસ્ટરમાં શ્રેષ્ઠ પરિણામ બદલ સુવર્ણ અને રજતચન્દ્રકથી સન્માન કરવામાં આવ્યું હતું.