અદાણી મેડિકલ કોલેજમાં ફરી લોલમલોલ : તબીબી છાત્રોને કાંયાવાળું પાણી આપી જીવ જોખમમાં મુકાયા

પીળા રંગનું કાંયાવાળું દુષિત પાણીથી એમબીબીએસના પ૦ છાત્રો બિમાર પડતા દુષિત પાણીનો વીડિયો કરાયો હતો વાયરલ : ચકચારી ઘટનાએ છાત્રોના જીવ તાળવે ચોટાડતા તંત્ર દોડ્યું : વિદ્યાર્થીઓ બિમાર પડ્યા બાદ ભારે હોબાળો મચી જતા અદાણી જૂથને બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ હવે ટેન્કરથી પાણી વિતરણ અને ફિલ્ટરેશન પ્લાન્ટના અપાયા વચનો : પોતાને દેશનું સર્વોચ્ચ ગ્રૂપ લેખાવતા અદાણીની કોલેજમાં જ દુષિત પાણીના વિતરણે મોટો વિવાદ ઊભો કર્યો

ભુજ : અદાણી જૂથ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. અગાઉ કોરોનામાં દર્દીઓ મોતને ભેટવા સહિતના મુદ્દે અનેક વખત રજૂઆતો અને આંદોલન થઈ ચૂક્યા છે. તો અહીં આવેલી મેડિકલ કોલેજમાં છાત્રોને પુરતું સ્ટાઈપેડ ન આપવું, છાત્રોનું શોષણ કરવું સહિતના મુદ્દે ખુદ વિદ્યાર્થીઓ પણ અવાજ ઉપાડ્યા છે ત્યારે વધુ એક વખત લાપરવાહી સામે આવી છે. આ વખતે છાત્રોની જિંદગી સાથે ચેડા કરવામાં આવ્યા છે. કારણ કે જે પાણી આપણે વપરાશમાં પણ ન લઈ શકીએ તેવું પાણી તબીબી છાત્રોને આપવામાં આવ્યું હતું. જેના કારણે એક-બે નહીં, પરંતુ પ૦ જેટલા મેડિકલ અભ્યાસના છાત્રો સામટા બિમાર પડતા જી.કે.ના બીછાને દાખલ કરાયા હતા. આ ઘટનાને રાજ્યમાં પણ પડઘા પાડ્યા હતા.આ અંગેની વિગત મુજબ અદાણી કોલેજમાં લાંબા સમયથી દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે. આ અંગે અદાણી જૂથના વડા ગૌતમ અદાણી અને જિલ્લા કલેક્ટરને ટિ્‌વટ કરીને ફરિયાદ પણ છાત્રોએ કરી હતી. આ અંગે વીડિયો પણ વાયરલ કરાયો હતો. જેમાં વોસબેસિંનમાં પીળા રંગનું પાણી આવે છે. તે સ્પષ્ટ દેખાય છે. આ પાણીથી પ૦ છાત્રોને શરદી અને તાવની અસર આવી ગઈ હતી. જેથી તેઓને દાખલ કરવા પડ્યા હતા. આ બાબતે અદાણી દ્વારા સ્પષ્ટતા અપાઈ હતી કે, નર્મદા જળ અને બોરવેલના મિક્સ પાણીનો જથ્થો ઓવર હેડ ટેન્ક મારફતે કોલેજમાં વિતરીત કરવામાં આવે છે. જોકે, છેલ્લા થોડા સમયથી નર્મદા જળનો પુરવઠો અનિયમિત અને અપૂરતો હોવાથી બોરનું કાંયાવાળું પાણીને પુરવઠો વધી ગયો આ સમસ્યા સર્જાઈ હતી. છાત્રોની ફરિયાદને લઈને બોરના પાણીનો પુરવઠો બંધ કરીને બહારથી ટેન્કરો મંગાવી શુદ્ધ પેયજળ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કાયાવાળું પાણી નેટવર્કિંગ સિસ્ટમમાં જતો રહેવાથી આ સિસ્ટમને શુદ્ધ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટાંકાની સફાઈ કરવામાં આવશે. ભવિષયમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે અદાણી દ્વારા એકમાસમાં ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરવામાં આવશે. તો અદાણીના ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ દાવો કર્યો કે, કોઈ બાળકને ખોરાકી ઝેરની અસર નથી. કેટલાક છાત્રોને ફ્લૂની અસર તડે શરદી અને ખાસી છે. આ બાબતે નગરપાલિકા સાથે બેઠક કરી વધુને વધુ શુદ્ધ પાણી મળે એ માટે પગલાં લેવામાં આવશે. જોકે, આ મામલો દબાવવા ઘણા પ્રયાસો થયા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી ગંદુ પાણી અપાતું હોવાથી ભાવી તબીબો પણ હોસ્પિટલના બિછાને આવી ગયા હતા. દુષિત પાણીનો મુદ્દો વિદ્યાર્થીઓએ ઉપાડ્યા બાદ હવે ભોજનની ગુણવત્તા પણ સાચવવામાં આવી રહી છે.છેલ્લા ઘણા સમયથી નાવા-ધોવા માટે ખારશવાળું પાણી આવતું હોવાથી વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. આ ખારાશ વાળા પાણીના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓને ચામડીના રોગ પણ થયા હતા. આ મુદ્દે રજૂઆત કરવા છતા કોલેજના અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા. કોરોના કાળમાં તબીબી છાત્રોએ દિવસ-રાત દર્દીઓની સેવા કરીને દર્દીને સાજા કરી નવું, જીવન આપ્યું છે. તેવામાં કોલેજનું તંત્ર દ્વારા શા માટે અગાઉની ફરિયાદને ધ્યાને ના લીધી તે સવાલ ઊભો થવા પામ્યો છે. વર્ષે ૧૭ લાખની તગડી ફી વસૂલતી અદાણી કોલેજના વિદ્યાર્થી દૂષિત પાણી પીવાથી બિમાર પડતા હવે ટેન્કરથી પાણી આપી કોલેજ સત્તાવાળાઓએ પોતાનો બચાવ કર્યો છે. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કોલેજ દ્વારા મોટા ભાગના કોર્ષ પણ બંધ કરાતા વાલીઓમાં કચવાટ ફેલાયો છે. કચ્છમાં ઘણી બધી સવલતો છે અને અન્ય શહેરમાંથી અદાણી મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થી આવતા હોય છે ત્યાં એકાએક ક્યા કારણોસર કોલેજ દ્વારા કોર્ષ બંધ કરી દેવાયા તે પણ એક સવાલ છે. પોતાનું બાળક બિમાર પડતા ગુજરાતના જુદા-જુદા જિલ્લામાંથી વાલીઓ ભુજમાં દોડી આવ્યા હતા.

મદદનીશ કલેક્ટરે આવા બનાવો ન બને તે માટે કરી તાકીદ

ભુજ : કચ્છના મદદનીશ કલેક્ટર અતિરાગ ચપલોતને આ બનાવ અંગે જાણ થતા તેઓ મામલતદાર વિવેક બારહટ સાથે હોસ્પિટલમાં દોડી ગયા હતા અને બાળકો સાથે સંવાદ કરી તેઓની તબીયત જાણી હતી. તેમજ આ બાબતે અધિકારીઓને સૂચના જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. આ ઘટનાઓ બીજીવાર ન બને તે માટે તાકીદ કરી. આ બાબતે સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે. તેવું જણાવ્યું હતું. પ૦ છાત્રો પૈકી રપ છાત્રોને રજા પણ આપી દેવાઈ છે.