અદાણી મેડિકલ કોલેજના પ્રોફેસરે આપી વર્ષાઋતુમાં મેલેરિયાના ઉપદ્રવ સામેે સાવચેતી – ઈલાજ માટે ગાઈડલાઇન

ભુજ : કચ્છમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. કૃષિપુત્રો સહિત તમામ વર્ગો ઘડીભર કોરોનાને ભૂલી વર્ષારાણીના આગમનને વધાવે છે ત્યારે આ ખુશી દરેકના જીવનમાં લાંબા સમય સુધી ચાલુ રહે તે માટે આ વરસાદી મોસમમાં જ્ન્મ લેતા મચ્છર અને તેનાથી થતાં મેલેરિયા રોગ સામે સાવચેતીના ભાગરૂપે આ રોગના લક્ષણો, સારવાર વિગેરે અંગે અદાણી મેડિકલ કોલેજના કૉમ્યુનિટી ડીસીઝ વિભાગે માર્ગદર્શિકા જારી કરી છે.
ભુજ મેડિકલ કોલેજના કૉમ્યુનિટી ડીસીઝ વિભાગના વડા, પ્રો. અને ડો. ઋજુતા કાકડેએ કહ્યું કે, મેલેરિયા રોગના મુખ્ય વાહકોમાં એનાફીલીસ માદા મચ્છર છે. આ મચ્છરનો બ્રિડિંગ સમય વરસાદી સમય છે. આ કાર્ય માટે તેને લોહીની જરૂર પડતી હોવાથી માનવેને કરડે છે અને એ રીતે મેલેરિયા માનવીથી માનવીમાં ફેલાય છે. એટલે જ મેલેરિયામાં ખાસ કરીને જુલાઇથી નવેમ્બર સુધી સાવધાની વર્તવાની હોય છે. મચ્છર ન થાય એ માટે વરસાદમાં ઘર આગળ પાણી ન ભરાય. પુખ્ત મચ્છર હંમેશા ઘરમાં દરવાજા અને બારીના ખૂણામાં ભરાયેલા હોવાથી સાફ રાખવા જરૂરી છે. ઇલાજથી બહેતર બચાવ હોવાથી શક્ય હોય ત્યાં સુધી મચ્છરદાનીમાં સૂવું, ગુડનાઇટ, ધૂપ વિગેરે કરાય છે. એ પણ યોગ્ય છે. કારણ કે, મચ્છર લોહી લેવા સૂર્યાસ્ત પછીનો સમય જ પસંદ કરે છે.
કચ્છમાં ખાસ કરીને કુલ પાંચ મેલેરિયાના પ્રકાર પૈકી ફાલ્સીપેરમ અને વાયવેક્સ જાેવા મળે છે. વાયવેક્સનું પ્રમાણ વધુ છે. એકાંતરે ઠંડી સાથે તાવ આવે છે. ફાલ્સીપેરમ જેવા મેલેરિયા તાવમાં ૭૨ કલાક પછી તાવ આવે છે. તાવ સાથે પસીનો પણ થાય છે. આવું થાય તો તબીબોનો સંપર્ક કરવ લોહીની તપાસથી મેલેરિયા પ્રકાર કે મેલેરિયા છે તે જાણી શકાશે. આમ તો, કલોરોક્વિન તેની મુખ્ય દવા છે. દરેક સરકારી દવાખાનામાં તે વિનામુલ્યે ઈલાજ કરવામાં આવે છે. ગરમી અને વરસાદી મોસમમાં પાણી પીતા રહેવાથી મેલેરિયાને મ્હાત આપી શકાય છે. ક્યારેક ક્રોનીક મેલેરિયા થઈ જાય ત્યારે એનીમિયા થઈ જતો હોવાથી આ રોગથી સંભાળવું જરૂરી છે. ગર્ભવતી મહિલાઓને પણ પૂરતી સંભાળ રાખવી આવશ્યક છે. મેડિકલ કોલેજના પ્રો.ડો. ઋજુતા કાકડેએ કહ્યું કે, ઘણીવાર શરીરમાં મેલેરિયાનું સંક્રમણ વધી જાય છે ત્યારે પેશાબ વાટે ખૂન જવા જેવી ઘટના પણ આકાર લેતી હોય છે. અને પેશાબ વાટે ખૂન પસાર થાય ત્યારે તે કાળું પડી જતું હોવાથી તેને બ્લેકવોટર મેલેરિયા પણ કહેવાય છે.