અદાણી ફાઉન્ડેશન – મુંદરા દ્વારા ખેડૂતોને ગાય આધારિત ખેતી માટે પ્રોત્સાહિત કરવા કરાઈ પહેલ

મુંદરા : અદાણી ફાઉન્ડેશન – મુંદરા દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે મુંદરા તાલુકાનાં મંગરા, ઝરપરા, સિરાચા, ધ્રબ, ભુજપુર મોટી, ભોરારા વગેરે ગામોમાં પ્રાયોગિક કામગીરી તરીકે ખેડૂતો ગાય આધારિત ખેતી કરતાં થાય તે માટે જાગૃતતા લાવવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો. આ ગામોમાં ૧૦ જેટલા તાલીમ કાર્યક્રમોમાં ૧૮૦ જેટલા ખેડૂત ભાઈ-બહેનો સાથે ગાય આધારિત ખેતી અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયુું હતું. આ દિશામાં કામને વધારે મજબૂત બનાવવા માટે ક્રાંતિગુરુશ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી-ભુજ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – મુંદરા, રામકૃષ્ણ ટ્રસ્ટ – કુકમા અને સાત્વિક સંસ્થા વગેરે સાથે જરૂરી એમઓયુ કરાયા છે.
આ તાલીમ કાર્યક્રમ દરમ્યાન ગાય આધારિત ખેતી માટે ખેડૂતોને ઘર આંગણે કુદરતી ખાતર તૈયાર કરી શકે તે માટે ખેડૂતોના ગ્રૂપ બનાવીને તાલીમ મેળવેલ ખેડૂતો પૈકી ૧૫ ખેડૂતોને જીવામૃત તૈયાર કરવા પ્લાસ્ટિકના પીપ તથા ૧૨૫ ખેડૂતોને તેની વાડીએ હોમ બાયોગેસ પ્લાન્ટ આપેલ, જ્યારે ૧૯ ખેડૂતોને અળસિયાનું ખાતર અને વર્મીવોશ માટેની કીટ અપાઈ હતી. ગૌકૃપા અમૃતમ બનાવવા માટે પણ એક લીટરની બોટલમાં આપવામાં આવેલ.
આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સાડાઉના વિષય નિષ્ણાંત નિલેષભાઈ પટેલ ખેડૂતોને ઘર આંગણે મળતા આ માર્ગદર્શનને ખેડૂતો સાર્થક કરે તેવી અપીલ કરી હતી. અદાણી ફાઉન્ડેશનના ડાઇરેક્ટર શ્રી ગઢવીએે આ કાર્યક્રમને ભાવિ પેઢી માટે ખૂબ અગત્યનો ગણાવ્યો હતો. એપીએસઈઝેડના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિતભાઇ શાહે કહ્યું કે, ખેડૂતો જગતના તાત છે અને રહેશે. અદાણી ફાઉન્ડેશનના યુનિટ સીએસઆર હેડ પંક્તિબેન શાહ મહિલા ખેડૂતોની કામગીરીને બિરદાવીને જણાવ્યું કે, ગાયને માતા કહીએ છીએ તો માતાને જાણીએ, માણીએ અને ખેતીને જીવંત બનાવીએ જેમાં બહેનો ક્યાય પાછી પાની નહીં કરે તેની મને ખાત્રી છે. આ તાલીમોને સફળ બનાવવા માટે પ્રોજેકટ હેડ માવજીભાઇ બારૈયાના માર્ગદર્શન હેઠળ રાધુભાઈ ગોયલ, કલ્યાણભાઈ ગઢવી અને રાજુભાઇ સોલંકીએ જહેમત ઉઠાવી હતી.