અદાણી ફાઉન્ડેશન દ્વારા ટપક સિંચાઇમાં ખેડૂતોને કરેલી મદદ પરિણામલક્ષી બની

પ્રથમ તબક્કામાં ૬૧ ગામોમાં ૬૦૬ અને બીજા તબક્કામાં ૩પ ગામોના ૩૬ર ખેડૂતોને મદદ કરાઈ

મુન્દ્રા : અદાણી ફાઉન્ડેશન દ્વારા ટપક સિંચાઈ યોજના અંતર્ગત કરવામાં આવેલ કામો મુન્દ્રા તાલુકાના ખેડૂતો માટે પરિણામલક્ષી સાબિત થઇ રહ્યા છે. અદાણી ફાઉન્ડેશન – મુન્દ્રાએ સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરી મુુન્દ્રા તાલુકામાં ખેડૂતો ટપક સિંચાઇ પદ્ધતિનો વપરાશ કરે તે માટે મદદરૂપ બનવાનું વર્ષ ૨૦૧૦થી નક્કી કર્યું. આ કામગીરી મુન્દ્રા તાલુકામાં પ્રથમ તબક્કામાં વર્ષ ૨૦૧૦-૧૨ સુધીમાં ૬૧ ગામોમાં ૬૦૬ ખેડૂતોને ખેડૂત દીઠ ૩ એકરની મર્યાદામાં રૂપિયા ૮૧૦૦૦ની મદદ કરવામાં આવી હતી. જ્યારે બીજા તબક્કામાં વર્ષ ૨૦૧૮-૨૦ સુધીમાં ૩૫ ગામોના ૩૬૨ ખેડૂતોને ૫ એકરની મર્યાદામાં ખેડૂત દીઠ રૂપિયા ૪૦,૦૦૦ સુધીની મદદ કરવામાં આવી હતી. આમ કુલ ૯૬૮ ખેડૂતો તથા ૫૬૨૬ એકર જમીનમાં વિવિધ પાકો જેવા કે કપાસ, એરંડા, શાકભાજીના પાકોમાં રીંગણી, ટામેટાં, મરચા, વેલાવાળા શાકભાજી, બાગાયતી પાકો દાડમ, ખારેક, ચીકુ, બોર, પપૈયા, કમલમ તથા ઘાસચારાના પાકો ઉપયોગ કરી રહ્યા છે, જેના લીધે કુલ ૫૬૨૬ એકર જમીન માટે વપરાતા ભૂગર્ભ જળની ૭૦ ટકા બચત કરી શક્યા. હજુ આગામી વર્ષમાં કુલ ૧૦૦ એકર અને ૬૦ જેટલા ખેડૂતોને આ ટપક સિંચાઈ માટે મદદ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિબેન અદાણીએ જણાવ્યુું હતું કે, પાણી બચાવવાની સાથે આપણી મહામૂલી જમીન પણ સુધરશે. આટલા બધા ખેડૂતોની વાડી સુધી પહોચવાનો અવસર અમને મળ્યો હજુ ભવિષ્યમાં પણ ખેડૂત ઉપયોગી કામગીરી સાથે મળીને કરીશું. અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર વી.એસ. ગઢવી કહ્યું કે, કચ્છનો ખેડૂત પાણીનો વ્યાજબી ઉપયોગ અને જાળવણી કરતો થશે તો કચ્છડો બારેમાસ લીલો જ રહેશે. એપીસેઝના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યુ કે, કચ્છનો ખેડૂત સાચું માર્ગદર્શન અને સમયસરની મદદ મળે તો તેનું પરિણામ આપીને જ જંપે છે. યુનિટ સીએસઆર હેડ પંક્તિબેન ખેડૂતો સાથે વાતચીત કરતાં કહ્યું કે,જાે તમે કાળજી રાખીને આ ટપક પદ્ધતિને વાપરશો તો તે જમીન, પાણી, સમય અને વધારાના ખર્ચમાં ખૂબ ફાયદો થશે.
આ લાંબાગાળાની કામગીરીને પાર પાડવામાં અદાણી ફાઉન્ડેશનની ટીમમાં જયરામભાઈ દેસાઇ, રાધુભાઈ ગોયલ, રાજુભાઇ સોલંકી, વિરલભાઇ પારેખ, પારસભાઈ મહેતા અને માવજીભાઇ બારૈયા વગેરેએ ખેડૂતો સાથે સમયસરની કામગીરી કરી પરિણામ મેળવ્યું છે.