અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્ત્થાન પ્રોજેક્ટ અંતર્ગત, નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે ડીઝીટલ ક્લાસનું ઉદ્દઘાટન કરાયું

નખત્રાણા :  અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજીક ઉત્તરદાયિત્વનાં ભાગરૂપે તેમજ કોરોના કાળમાં શાળાના વિદ્યાર્થીઓ ડીઝીટલ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુસર નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે ડીઝીટલ ક્લાસનું ઉદ્દઘાટન કરવામા આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્ત્થાન પ્રોજેક્ટ અંતર્ગત મુંદરા તાલુકાની ૧૭ શાળાઓ અને વર્ષ૨૦૧૯-૨૦માં નખત્રાણા તાલુકાની ૮ શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તે અંતર્ગત ઉગેડી ગામ ખાતે ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના સ્ટાફ સાથે રહીને ડીઝીટલ ક્લાસ રૂમનું ઉદ્દઘાટન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા અદાણી ફાઉન્ડેશનનાં સ્ટાફ તેમજ મહેમાનોને પરંપરાગત રીતે આવકારવામાં આવ્યાહતા. ત્યારબાદ ઉત્થાન પ્રોજેક્ટની સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ મીઠુભાઈ ભીમજીભાઈ વાઘેલાએ સમગ્ર ટીમનો આભાર માનતા જણાવ્યુ હતું કે, આ યુગ ટેક્નોલોજીનો છે, જેમાં આ સ્માર્ટ ક્લાસ ઘણા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે. શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલે આ ડીઝીટલ ક્લાસ બે શિક્ષકોની ખોટ પુરી કરશે તેવું જણાવ્યું હતું. આયોજન તથા સંચાલન નખત્રાણા સીએસઆર હેડ ટી.ટી. મહેતા અને આભારવિધિ શાળાના પૂર્વ આચાર્ય શ્રી ભટ્ટે કરી હતી.