અદાણી ઓસ્ટ્રેલિયન પ્રોજેક્ટ માટે ચાઈનીઝ લોન મેળવવાની તૈયારીમાં

મેલબોર્ન : ભારતની માઈનિંગ ક્ષેત્રની કંપની અદાણી તેના ૧૬.૫ અબજ ડોલરના કારમાઈકલ પ્રોજેક્ટ હેઠળ ક્વિન્સલેન્ડમાં ૩૮૮ કિલોમીટર રેલ્વેના નિર્માણ માટે ચીનમાંથી લોન મેળવવાની તૈયારીમાં છે. અદાણી માઈનિંગે આ માઈન અને રેલ પ્રોજેક્ટ માટે ચાઈનીઝ ભંડોળની વ્યવસ્થા કરી દીધી હોવાનું ઉદ્યોગ જગતના કેટલાંક લોકોને જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિય બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના એક અહેવાલ અનુસાર અદાણી જૂથે ચાઈનીઝ સરકારની માલિકીના સાહસો, બેન્ક્સ અને એક્સપોર્ટ ક્રેડિટ એજન્સીની સહાયથી આ પ્રોજેક્ટ માટે નાણાકીય વ્યવસ્થા કરી લીધી છે અને આ મામલે આગામી સમયમાં જાહેરાત શક્ય છે. જોકે અદાણીએ આ અહેવાલોને નકારતા જણાવ્યું છે કે અદાણીને એનએઆઈએફ તરફથી લોનની જરૂર નહીં હોવાના પ્રકાશિત થયેલા અહેવાલો સત્યથી વેગળા છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલા ક્વિન્સલેન્ડના ચૂંટણી પ્રચારમાં કંપની વિવાદનો મુદ્દો ના બને તે માટે તેણે કારમાઈકલ માઈન અને સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિવિધ ધિરાણકર્તાઓ સાથે બેઠક યોજી હતી.