અદાણીને ઓસ્ટ્રેલિયામાં મળનારી ૯૦ કરોડ ડોલરની સરકારી લોન જોખમમાં

અદાણીના શેરોમાં ઘટાડાની ચાલ
મેલબોર્ન :ઓસ્ટ્રેલિયાના કોલ માઈન પ્રોજેક્ટ આડે ઉભાં થયેલાં વધુ એક અવરોધના અહેવાલની અસર ઘરઆંગણે અદાણી ગ્રૂપના શેરો પર પડી હતી. અદાણી જૂથની એકને બાદ કરતાં તમામ કંપનીઓના શેરોમાં સોમવારે ઘટાડો જોવાયો હતો. અદાણી એન્ટરપ્રાઈસિસ બીએસઈ પર ૧.૩૭ ટકા ઘટી રૂ.૧૫૧.૧૦એ બંધ રહ્યો હતો. અદાણી પોર્ટ એન્ડ સેઝનો શેર ૧.૧૪ ટકા ઘટી રૂ.૪૦૦.૩૫એ જ્યારે અદાણી ટ્રાન્સમિશન ૨.૦૧ ટકા ઘટી ૧૯૬.૯૫એ બંધ રહ્યો હતો.

 

મેલબોર્ન : શરૂઆતથી જ એક પછી એક અવરોધોનો સામનો કરી રહેલા અદાણી જૂથના ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારા કારમાઈકલ કોલ માઈન પ્રોજેક્ટને ૯૦ કરોડ ડોલરની લોન આપવાની દરખાસ્ત વિરુદ્ધ લેબર પાર્ટી શાસિત ક્વિન્સલેન્ડની સરકારે વીટો વાપરવાની ધમકી આપી છે. ક્વિન્સલેન્ડ સરકારે જણાવ્યું હતું કે તે આ પ્રોજેક્ટને અપાનારી લોનને કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય વિરુદ્ધ વીટોનો ઉપયોગ કરી તેને અટકાવશે.
ઓસ્ટ્રેલિયાની સંઘીય અને ક્વિન્સલેન્ડની રાજ્ય સરકાર દ્વારા મળેલી મંજૂરી બાદ ૧૬.૫ અબજ ડોલરનો વિશ્વનો સૌથી મોટો કારમાઈકલ પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે. અદાણી જૂથે તેની ખાણોને દરિયાના તટ સુધી સાંકળવા માટે રેલ્વે લાઈનના નિર્માણ માટે ૯૦ કરોડ ડોલરની નોર્ધન ઓસ્ટ્રેલિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી લોન(એનએઆઈએફ) માટે અરજી કરી હતી. આ મહિનાના પ્રારંભમાં ચૂંટણી અગાઉ ક્વિન્સલેન્ડના વડાંપ્રધાન એનેસ્ટેસિયા પલાસઝૂકે જાહેરાત કરી હતી કે જો તેમની લેબર  પાર્ટી ફરીથી સત્તામાં આવશે તો તે એનએઆઈએફને વીટો વાપરી અટકાવશે. જોકે હિતોના સંઘર્ષના અહેવાલો બહાર આવતા પલાસઝૂકે જણાવ્યું હતું કે હિતોના ટકરાવ અંગેની કોઈ પણ શંકાને દૂર કરવા તેમનો પક્ષ એનએઆઈએફની લોનનો વિરોધ કરશે. સમાચાર માધ્યમોમાં પ્રકાશિત અહેવાલો અનુસાર પલાસઝૂકે જણાવ્યું હતું કે અદાણીના પ્રોજેક્ટની અત્યાર સુધીની એક પણ સમીક્ષામાં મારી સરકારની કોઈ ભૂમિકા નથી અને ભવિષ્યમાં પણ તેમાં અમારી કોઈ ભૂમિકા નહીં હોય. વડાંપ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે ફાયનાન્સની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની જવાબદારી અદાણીની છે. દરમિયાનમાં અદાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણીની ખાણ, રેલ અને પોર્ટ પ્રોજેક્ટ્‌સમાં ક્વિન્સલેન્ડના લોકો માટે રોજગારી સર્જનની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.