અડિખમ ગુજરાત સાથે સદાય રહીશું અડીખમ : વાસણભાઇ આહિર

અંજાર : તાલુકાના માથક ખાતે નવનિર્મિત અધતન  પીએચસી બિલ્ડીંગ અને સંઘડ-વંડી-મારીગણા ખાતેના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગતના બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ સમેતના રૂ.૪.૪૫ કરોડના વિકાસ કામોનું મહાનુભાવો સાથે શાસ્ત્રોકતવિધિએ
લોકાર્પણ કરતાં રાજયના સંસદીય સચિવ વ અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે વિકાસની વાટે અડીખમ ગુજરાતની સાથે અમોએ અડીખમ છીએને અડીખમ રહીશું તેવો ટંકાર કરતાં માથક સમેત અંજારની દખણાદી  પટ્ટીમાં કરોડોનાં ખર્ચે કરેલ વિકાસ કામોનો સદષ્ટાંત ચિતાર પાઠવ્યો હતો. તેમણે દેશના દિર્ધદષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છેવાડેના જણ માટે “આપણે સૌને માટે અને આપણા માટે સમસ્તનો” ગુંજારવ કરતાં ન રૂકે હૈ ન રૂકેંગે… ન ઝૂકે હૈ… ન ઝૂકેગેનો જયનાદ કરતાં અંજાર વિસ્તારના છેવાડેના પ્રજાજનોના સ્નેહ, પ્રેમનો નતમસ્તિકે ઋણ સ્વીકાર કર્યો હતો.
શ્રી આહિરે સુશાસન માટે હવે સૌએ ખડેપગે રહેવું પડશે અને જાતને ઘસી નાંખવી પડશે તેવું જણાવતાં જાગે એ માગે ને ન્યાયે શંભુભાઇ હોય કે બાબુભાઇ કે કિરણભાઇ કે મહેશભાઇ સહિત તમામે લોકસુખાકારી માટે તેમને સતત પ્રયત્નશીલ રાખ્યા છે તે બદલ આભારવશ થતાં હજુ તો શરૂઆત છે વિકાસ યાત્રાની મંજીલતો બે હિસાબ છે તે ન ભૂલવા વિકાસ પ્રેમીઓને અનુરોધ કરતાં મળેલ શિક્ષણ, આરોગ્યની બહૂમૂલ્ય સેવા, સુવિધાનો જને જન લાભ ઉઠાવે તેવુ આહવાન કરતાં સર્વ ભવન્તુંઃ સુખીન, સર્વ સન્તુઃ નિરામયાનો જયજયકાર કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જીવા શેઠ, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા શિક્ષણ સમિતિના છાયાબેન ગઢવી, તાલુકા પંચાયત સદસ્ય ગોવિંદભાઇ ડાંગર, અંજાર તાલુકા ભાજપા પ્રમુખ શંભુભાઇ ઝરુએ વિકાસ પુરૂષ વાસણભાઇ આહીરના સતતના વિકાસના પ્રયાસોને બિરદાવતાં જનતા જનાર્દનની સુખાકારી માટે સૌ અમે ખડે પગે છીએ અને રહીશું તેવી આત્મિય ખાતરી આપી હતી.
આ પ્રસંગે માથક પ્રા.શાળાની બહેનો દ્વારા રજુ થયેલ સ્વાગતમ ગીત અને ગજીયા ગીતથી પ્રભાવિત થઇ ગોવિંદભાઇ ડાંગર, રાંભઇબેન વેલાભાઇ ઝરુ, બાબુભાઇ ડાંગર દ્વારા રૂ.૧૫૦૧/- ના ઈનામોની જાહેરાત કરાઇ હતી. આ પ્રસંગે વાસણભાઇ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા દ્વારા અંગદાન, મહાદાનનો સૌને સંકલ્પ લેવાડાવતાં સૌ ઉપસ્થિત ગ્રામજનોને તેમના વસીયતનામામાં તેમના શરીરનું અંગદાન કરવા વિગતે સમજ આપી, સૌને સુસંકલ્પબધ્ધ કર્યા હતા.
પ્રારંભમાં પ્રસંગ પરિચય, મહેમાનોનું શાબ્દિક સ્વાગત માથક સરપંચશ્રી મહેશ ડાંગરે કર્યુ હતું. તો શાલ અને પુષ્પે સ્વાગત સરપંચશ્રી મહેશ ડાંગર, ઉપસરપંચ કરશનભાઇ આહિર, ગ્રામ પંચાયત સભ્યો ધનીબેન નવીનભાઇ, લખીબેન તથા ગીતાબેન તથા ગ્રામ અગ્રણીઓએ કર્યુ હતુ. આ પ્રસંગે વાસણભાઇ ઓલ ગુજરાત ટ્રકમંડળના સતત ૬ઠ્ઠીવાર પ્રમુખ થયા તે બદલ માથક તેમજ આસપાસના ૯ ગામોના સરપંચો દ્વારા કચ્છી પાઘ પહેરાવી વિશેષ સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઇ આહિર તથા આભારવિધિ બાબુભાઇ હીરાભાઇએ કરી હતી.
આ પ્રસંગે અંજાર  એપીએમસીના ડાયરેકટરશ્રી વેલાભાઇ ઝરુ, અંજાર તાલુકા ભાજપા મહામંત્રીશ્રી કાનાશેઠ, મશરૂભાઇ રબારી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી લક્ષ્મીબેન આહિર, જિલ્લા કિશાન મોર્ચાના મહામંત્રીશ્રી ગોપાલ માતા, અંજાર તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવજીભાઇ સોરઠીયા, શૈલેષ સથવારા, ભુવડ આહિર વહી સમાજના પ્રમુખ માંડણભાઇ આહિર, બી.એન.આહિર, ધનજીભાઇ સરપંચ, નારણભાઇ સરપંચ, સામજીભાઇ સરપંચ, જમણાબેન સરપંચ, બાબુભાઇ હેઠવાડીયા, પીજીવીસીએલના કાર્યપાલકશ્રી રાખોલીયા, જિલ્લા.પ્રા.શિક્ષણાધિકારીશ્રી જરગેલા, નાયબ હર્ષદ ગરવા, અંજાર તાલુકા આરોગય અધિકારી ડો.રાજીવ અંજારીયા, જિલ્લા પંચાયત બાંધકામના નાકાઇ જાડેજા, માહીતીના દિલીપસિંહ રાઠોડ, માથક તેમજ આસપાસના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.