અડાલજ પાસેથી પોલીસે ૨૪૦૦ નંગ દારુની બોટલ સહિત ૧૮ લાખનો મુદ્દામાલ ઝડપ્યો

(જી.એન.એસ.)ગાંધીનગર,રાજસ્થાન થી ટ્રકમાં વ્હાઇટ સિમેન્ટ ના કોથળા ની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદના બુટલેગરને ડીલીવરી આપવા માટે નીકળેલો ડ્રાઈવર સાડા ચારસો કિલો મીટર જેટલું અંતર કાપીને અડાલજ તરફ આવતા જ ઝડપાઈ જવા પામ્યો છે. અડાલજ પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી લેવામાં આવેલા ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ માંથી ૨૪૦૦ નંગ દારૂની બોટલો સહિત કુલ. રૂ. ૧૮. ૦૨ લાખનો મુદામાલ જપ્ત કરી રાજસ્થાનના રીઢા બુટલેગર મૂકેશ તૈલી તેમજ દારૂ મંગાવનાર અમદાવાદ ચાંદખેડા ના બુટલેગરને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.અડાલજ પોલીસનો કાફલો બાતમી વાળી ટ્રક ને ઝડપી લેવા માટે અડાલજ હાઇવે રોડ એફ સી આઈ ગોડાઉન પાસે વોચ ગોઠવીને રસ્તો બ્લોક કરીને ગોઠવાઈ ગયો હતો. ત્યારે કલાકોની કાગડોળે રાહ જોયા પછી બાતમી મુજબની ટ્રક દૂર થી આવતી દેખાતા પોલીસ સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો. અને જેવી ટ્રક નજીક આવી ત્યારે તેને રોકી દઈ કોર્ડન કરી લેવામાં આવી હતી.ત્યારબાદ પોલીસે ટ્રકની તલાશી લેતાં સફેદ કલરના પાઉડર ના કોથળા ભરેલા હતા. પરંતુ ચોક્ક્‌સ બાતમી હોવાના કારણે તમામ કોથળા દૂર કરીને જોતા વિદેશ દારૂની પેટીઓ મળી આવી હતી. જેથી કરીને ડ્રાઈવરની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ રાજુનાથ મોહનનાથ યોગી (રહે. ભીલ વાડા રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જેની કડકાઈથી પૂછતાંછ કરતાં વિદેશી દારૂની પેટીઓ રાજસ્થાન ભીલ વાડા ના રીઢા બુટલેગર મૂકેશ તૈલીના કહેવાથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને અમદાવાદ ચાંદખેડા ના બાપુ નામના બુટલેગર ને ડીલીવરી કરવા નિકળ્યો હોવાનું વધુમાં ખુલવા પામ્યું હતું.આ અંગે અડાલજ પોલીસ ઈન્સ્પેકટર સિંધવે જણાવ્યું હતું કે, ટ્રક રાજસ્થાન થી નીકળીને ચાંદખેડા જવાની હતી. જેમાં વ્હાઇટ સિમેન્ટ જેવો સફેદ પાઉડર ના કોથળા ની આડમાં પેટીઓ માં ભરેલ ૨૪૦૦ નંગ વિદેશી દારૂ નો જથ્થો કી. રૂ. ૨.૦૪ લાખ, ટ્રક કી. રૂ. ૧૫ લાખ તેમજ સફેદ પાઉડર નો જથ્થો કી. રૂ. ૯૮ હજાર મળીને કુલ રૂ. ૧૮.૦૨ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ રાજસ્થાન અને ચાંદખેડા ના બન્ને બુટલેગરો ને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.