અટલજીના અંતિમ સંસ્કારમાં આવેલા પાક. દળમાં ખુંખાર આતંકીનો ભાઈ સામેલ હોવાનો દાવો

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમસંસ્કારમાં પહોંચેલા
પાકિસ્તાની દળને લઇને વિવાદ ઊભો થયો છે. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે, મુંબઈ હુમલામાં સામેલ રહેલા આતંકી ડેવિડ હેડલીનો સાવકો ભાઈ દાનિયાલ ગિલાની આ દળમાં સામેલ હતો. જોકે, સરકારે આ સમાચારોનું ખંડન કર્યું છે. તેમનું કહેવું છે કે દાનિયાલ ન તો અંત્યેષ્ટિમાં સામેલ થયો અને ન તો વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે થયેલી પાકિસ્તાની શિષ્ટમંડળની બેઠકમાં આવ્યો હતો.
ન્યુઝ એજન્સીએ સરકારી ઓફિસરોના હવાલાથી જણાવ્યું કે દાનિયાલને બ્લેકલિસ્ટ ચેક કર્યા પછી જ વિઝા આપવામાં આવ્યા. તેના આતંકવાદ સાથે સંકળાયેલા હોવાના કોઇ રિપોર્ટ નથી.દાનિયાલ હાલ ત્યાંની કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના ચેરમેન હોવાની સાથે મિનિસ્ટર્સ ઓફિસના ડાયરેક્ટર પણ છે. તે પાકિસ્તાનના વડાપ્રધાનના પ્રેસ સચિવ પણ રહી ચૂક્યા છે. ઓફિસરોના જણાવ્યા પ્રમાણે, ઔપચારિક બેઠકમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત સોહેલ મહેમૂદ, કાર્યવાહત કાયદામંત્રી સૈયદ અલી ઝફર અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને દક્ષિણ એશિયાના ડાયરેક્ટર જનરલ મહેમૂદ ફૈઝલ પણ શામેલ થયા હતા. બીજી બાજુ દાનિયાલે આ ઔપચારિક બેઠકને લઇને ૧૭ ઓગસ્ટની સાંજે પોતે ટિ્‌વટ કર્યું હતું. જોકે, તેમણે પણ તેમની અંત્યેષ્ટિમાં સામેલ થવા કે સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરવાની વાત નથી લખી.હેડલી અને દાનિયાલના પિતા એક જ હતા, પરંતુ માતા અલગ છે. દાનિયાલ ઘણીવાર સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે તેમનો હેડલી સાથે કોઇ સંપર્ક નથી. તેમને તેને તેના આતંકી સંપર્કો વિશે પણ કોઇ જાણકારી નથી.અમેરિકન નાગરિક હેડલી પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇની સાથે કામ કરતો હતો અને ૨૬/૧૧ મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાંખોરોમાં સામેલ હતો. ૨૪ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ અમેરિકાની કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો. મુંબઈ હુમલામાં સામેલ થવા માટે તેના ૩૫ વર્ષની જેલ થઇ. હેડલીનું સાચું નામ દાઉદ સૈયદ ગિલાની છે. તેના પિતા સૈયદ સલીમ ગિલાની પાકિસ્તાની રાજનીતિજ્ઞ હતા.