અટકળોનો અંત : કચ્છમાં ધો. ૧ર બોર્ડની પુરક પરીક્ષા ભુજમાં જ લેવાશે

સાયન્સ પ્રવાહની પરીક્ષા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જયારે સામાન્ય પ્રવાહની પરીક્ષા શહેરની જુદી જુદી ૧૩ શાળાઓમાં યોજાશે : ૧પમી જુલાઈથી રીપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો થઈ રહ્યો છે આરંભ

ભુજ : ધોરણ -૧૦ અને ૧રના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે કોરોનાના કારણે માસ પ્રમોશન આપી ઉત્તિર્ણ કરી નાખ્યા છે. ત્યારે રીપીટર વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશનની માંગણી કરાઈ હતી. જો કે સરકારે માંગણીઓ ફગાવી બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવા મન મક્કમ બનાવતા આગામી ૧પમી જુલાઈથી રીપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. જો કે આ પરીક્ષા પુરક પરીક્ષા હોવાથી જિલ્લા મથક તરીકે ભુજમાં જ લેવામાં આવશે.
આ અંગેની વિગતો મુજબ આગામી ૧પમી જુલાઈથી બોર્ડના રીપીટર છાત્રો માટે પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા ભુજમાં લેવાનારી છે. સામાન્ય રીતે દર વર્ષે જુલાઈમાં યોજાતી પુરક પરીક્ષા જિલ્લા મથકમાં જ યોજાય છે. અન્ય તાલુકાઓમાં સેન્ટર અપાતા નથી. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અન્ય તાલુકાઓમાં પણ સેન્ટર આપવા માટે માંગણી ઉઠી હતી, જો કે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સૂચના પ્રમાણે કચ્છમાં જિલ્લા મથક ભુજ હોવાથી આ જ સ્થળે ધોરણ ૧રની પરીક્ષા લેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ધોરણ ૧ર સાયન્સમાં જિલ્લામાં ૩૧૬ વિદ્યાર્થી રીપીટર તરીકે પરીક્ષા આપવાના છે.સાયન્સ પ્રવાહની પુરક પરીક્ષા માટે બે બિલ્ડિંગ ફાળવાયા છે. આ પરીક્ષા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લેવામાં આવશે.જયારે સામાન્ય પ્રવાહની પરીક્ષા ભુજની ૧૭ બિલ્ડિંગોમાં લેવાશે, જેમાં ઈન્દ્રાબાઈ હાઈસ્કૂલ, માતૃછાયા હાઈસ્કૂલ, ચાણ્કય સ્કૂલ અને મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલમાં બે – બે બિલ્ડિંગ જયારે વીડી હાઈસ્કૂલ, ભુજ ઈંગ્લીસ સ્કૂલ, આર.ડી. વરસાણી હાઈસ્કૂલ, કચ્છી લેવા પટેલ, સ્વામિનારાયણ વિદ્યાલય, મા આશાપુરા સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ, સંસ્કાર સ્કૂલ અને સેન્ટ એન્ડ્રુસ હાઈસ્કૂલમાં એક- એક બિલ્ડિંગ ફાળવાતા આ શાળાઓમાં ધોરણ-૧રના રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર માસ પ્રમોશન આપ્યા બાદ જે વિધાર્થીઓને નારાજગી હોય તો તે પણ પોતાની માર્કશીટ જમા કરાવી રીપીટરો સાથે પરીક્ષા આપી શકશે.

ધોરણ-૧૦ના રીપીટર વિદ્યાર્થીઓ માટે દરેક તાલુકામાં ફાળવાયા સેન્ટર

કુલ ૭૯ સ્કૂલોમાં ૬પ૩ બ્લોકમાં રીપીટર વિદ્યાર્થીઓ એસએસસીની આપી શકશે પરીક્ષા

ભુજ : કારકીર્દી માટે જે ધોરણ ઘણું મહત્વનું ગણાય છે, તેવા એસએસસીના વર્ષમાં પણ ઘણા વિદ્યાર્થીઓ નપાસ થતા હોય છે. બોર્ડ દ્વારા આવા વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવામાં આવે છે. જેને પુરક પરીક્ષા કહે છે, ત્યારે ધો. ૧૦ના રીપીટર વિદ્યાર્થીઓ માટે ૧પમી જુલાઈથી પરીક્ષા શરૂ થતી હોવાથી જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આ માટેની તૈયારીઓ કરી લેવાઈ છે. બોર્ડના છાત્રોની રીપીટર પરીક્ષા કચ્છના દરેક તાલુકામાં યોજવામાં આવનાર છે. જેથી વિદ્યાર્થીઓ પોતાના ગામની નજીક પરીક્ષા આપી શકશે. મહત્વની બાબત એ છે કે, આ વખતે નાના સેન્ટરોની બાદબાકી કરી દેવાઈ છે. જે તાલુકામાં મોટા સેન્ટરો છે, તેમાં પરીક્ષા લેવાશે. નાના સેન્ટરો મર્જ કરી દેવાયા છે. સામે આવેલી માહિતી પ્રમાણે જિલ્લામાં કુલ ૬પ૩ બ્લોકમાં પરીક્ષા લેવાશે. આ માટે ૭૯ સ્કૂલો નકકી કરવામાં આવી છે, જેમાં આદિપુરમાં ૪, અંજારમાં ૬, ભુજમાં ૧૦, માંડવીમાં ૭, નખત્રાણામાં ૪, કોઠારામાં ર, મુંદરામાં ૪, ભચાઉમાં ૪, ગાંધીધામમાં ૬, ગઢશીશામાં ૩, દયાપરમાં ૩, નલિયામાં ર, રાપરમાં પ, કેરામાં ર, ભુજપુરમાં ર, આડેસરમાં ર, સામખિયાળીમાં ૩, ખાવડામાં ર, ઢોરીમાં ર, રતનાલમાં ર, કુકમામાં ર જયારે મોથાળા અને કટારિયાની એક-એક શાળાનો સમાવેશ થાય છે.