અજારમાં ખનિજ માફિયા બેફામ : ડમ્પર પકડતા તંત્રની ટીમને આપી ધમકી

ખાણ ખનિજના સુપરવાઈઝરને શિણાયનો શખ્સ જાનથી મારી નાખવાની આપી આરોપીને છોડાવી ગયો : ખનિજ માફિયા અને ડમ્પર ચાલક વિરૂદ્ધ અંજાર પોલીસ મથકે નોંધાયો ગુનો

અંજાર : કચ્છમાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ હવે ખનિજચોરી કરવાની સાથે ખુલ્લે આમ ખાણ ખનિજની ટીમને ધમકી આપીને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવુ લાગી રહ્યુ છે. કાયદો-વ્યસ્થાનું જાણે ચીરહરણ થતુ હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં અંજારમાં ખનિજ માફિયા ખનિજચોરી તો કરી પણ ઉપરથી સીનાજોરી કરીને ખાણ ખનિજ તંત્રની ટીમને પણ ધમકી આપી પકડેલા આરોપી અને ડમ્પરને છોડાવી નાશી ગયો હતો. બનાવને પગલે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ખાણ ખનિજ વિભાગના સુપરવાઈઝર દિલીપ મનસુખ લકુમે શિણાયના રાજેશ વેલજી વાઘમશી ઉર્ફે જીણીયો નામના શખ્સ અને એક ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ ખનિજ વિભાગના સુપરવાઈઝર અને સિક્યોરીટી ગાર્ડો સાથે ધાકધમકી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. સુપરવાઈઝરે નોંધાવેલી ફરિયાદને પગલે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ફરિયાદી 3 સિક્યોરિટી ગાર્ડ સાથે બોપરના અરસામાં વીડીદેવળીયા રોડ પર વાહન ચેકીંગની કામગીરીમાં હતા. તે દરમિયાન GJ-12 BW-5926 નંબરનું 40 મેટ્રિક ટન સાદી રેતી ભરેલું એક ડમ્પર ત્યાથી નીકળ્યું હતું. તંત્રની ટીમે  ડમ્પરને અટકાવવા બોલેરોથી પીછો કર્યો હતો. ડમ્પરનો ડ્રાઈવર વીડીદેવળીયા રોડથી ખાણો તરફ જતાં કાચા રસ્તામાં માટી ખાલી કરીને ડમ્પર સાથે નાસી છૂટ્યો હતો. ખનિજ વિભાગની ટૂકડીએ ડમ્પરનો પીછો ચાલું રાખી તેને આંતરી ડમ્પર ઊભું રાખવાની સૂચના આપી હતી. પરંતુ ચાલકે વાહન રોક્યુ ન હતુ. ફિલ્મીઢબે સર્જાયેલા દૃશ્યોમાં આગળ આગળ જતાં ડમ્પર કીચડવાળી માટીમાં ફસાઈ ગયું હતું. બાદ ખનિજ વિભાગની ટીમ આરોપી ડમ્પર ચાલકને પકડી તેની પૂછતાછ આદરી હતી. તે દરમિયાન શિણાયના રાજેશ વેલજી વાઘમશી ઊર્ફે જીણીયો સ્કોર્પિયો કારથી ત્યાં ધશી આવ્યો હતો. અને અમારું ડમ્પર કેમ પકડ્યું છે, તેવુ કહી ખાણ ખનિજના સુપરવાઈઝર અને સિક્યોરીટી ગાર્ડ સાથે ગાળાગાળી કરી ડમ્પરના ડ્રાઈવરને સ્કોર્પિયોમાં બેસાડી નાસી ગયો હતો. અને આરોપીએ ખનિજ વિભાગની ટીમને ફરિયાદ કરશો, તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. બનાવ અંગે અંજાર પોલીસે આરોપી રાજેશ વાઘમશી અને ડમ્પર ચાલક ગુનો નોંધી આગળની તપાસ હાત ધરી છે.