અછતગ્રસ્ત કચ્છમાં પાંચ માસમાં ઉદ્યોગગૃહો દ્વારા પાંચ કરોડના ઘાસચારાનું વિતરણ

ધોરડો અને મુન્દ્રા તાલુકાના ઉદ્યોગો દ્વારા ઘાસ માટેના કાયમી પ્રોજેક્ટ કાર્યરત : અન્ય એકમો પણ અછતમાં નિભાવે છે સામાજિક જવાબદારી

 

ભુજ : નબળા વરસાદના કારણે ૨૦ લાખ જેટલું પુશધન ધરાવતા કચ્છમાં ઘાસચારાની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો સામાજિક દાયિત્વ નિભાવવા માટે આગળ આવ્યા છે અને પાંચ જ મહિનામાં ઉદ્યોગો દ્વારા પાંચેક કરોડની કિંમતના ઘાસચારાનું વિતરણ કરાયું છે.
જિલ્લા પ્રશાસન દ્વારા અછતગ્રસ્ત વિસ્તારમાં પુરતા પ્રમાણમાં ઘાસચારો નિયત સમયમાં મળી રહે તે માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે અને કચ્છના ઉદ્યોગગૃહો પણ આ ઝુંબેશમાં સાથે જોડાયા છે. વિવિધ ઉદ્યોગો તેમના પ્લાન્ટની અજુબાજુના વિસ્તારમાં પશુધનને ઘાસચારો પૂરો પાડવા માટે બને એટલી મદદ કરી રહ્યા છે. ૧લી અપ્રિલથી ૩૦ ઓગસ્ટ સુધીમાં ઉદ્યોગો દ્વારા આશરે ૧,૨૭,૩૫,૯૭૬ કિલો ઘાસચારાનું વિતરણ કરાયું છે, જેની કિંમત અંદાજે ૫ કરોડથી પણ વધુ છે અને હજી પણ ઘાસચારાનું વિતરણ ચાલુ છે.
ઘાસચારા વિતરણ ઉપરાંત એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. દ્વારા સ્થાનિકે ઢોર માટે ટકાઉ ધોરણે ઘાસચારાના લાંબાગાળાના સ્રોતને ઉભો કરવા માટે ધોરડો ગામમાં બે ગ્રાસપ્લોટ (પ્રથમ ૧૭૬ એકર અને બીજો ૨૫૦ એકર)નો વિકાસ કર્યો છે. ગત વર્ષે ધોરડો ગ્રામ પંચાયતની મદદથી ૧૭૬ એકર ઘાસના પ્લોટમાંથી કુલ ૧૦૩ ટન શુષ્ક ઘાસની ખેતી કરી છે. આ ઘાસ ધોરડો ગ્રામ પંચાયત હેઠળના ગામોમાં વહેંચાઈ રહ્યો છેે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ૪ ગામોને ઘાસચારા માટેના બીજ અને તેના કલ્ટીવેસન માટે જેસીબી પુરા પાડીને મદદ કરાઈ છે. વધુમાં સીજીપીએલ (ટાટા પાવર કંપની)એ દરરોજ ૩૦૦ કિગ્રાના લીલા ઘાસચારાની ક્ષમતા માટે બે હાઇડ્રોફોનિકસ મશીન સ્થાપિત કર્યા છે. આ મશીનોને કારણે ૬૦૦ કિલોગ્રામ પ્રતિ દિવસ લીલા ઘાસચારાનું ઉત્પાદન થાય છે.
તદ્દઉપરાંત કચ્છથી જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ વિગેરે જિલ્લાઓમાં માલ-સામાનનું પરિવહન કરતા ઉદ્યોગોના વાહતુકના સાધનો, પરત ફરતી વખતે ઘાસચારોનું પરિવહન કરે તેવી અપીલ પ્રશાસન દ્વારા કરાઈ છે અને સાથે જણાવાયું છે કે ઘાસચારાના પરિવહન માટે થતા ભાડાનું ચૂકવણું પ્રશાસન દ્વારા કરવામાં આવે છે. આ કાર્યમાં પણ ઉદ્યોગગૃહો દ્વારા બને એટલી મદદ કરાઈ રહી છે તેવું ફોકિયાની યાદીમાં જણાવાયું છે.