અગાઉના મનદુઃખે કોજાચોરામાં યુવાનું ઢીમ ઢાળી દેવાયું

એકાદ વર્ષ પૂર્વે બકરા ચરાવવા મુદ્દે આરોપી સાથે થયેલી બોલાચાલીનું મનદુઃખી રાખી નિપજાવાઈ હત્યા : બનાવ બાદ આરોપી ફરાર : પોલીસે આરોપીને દબોચવા ચક્રો કર્યા ગતિમાન

માંડવી : તાલુકાના કોજાચોરા ગામના માલધારી યુવાનનું અગાઉના મનદુઃખે ઢીમ ઢાળી દેવાયું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે સવારે ૭ વાગ્યે ગામના સીમાડે વિજયસાગર ડેમની ઉત્તરે બાવળના ઝાળીઝાંખરા વચ્ચે લોહીથી લથબથ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે પોલીસે વધુ છાનબીન હાથ ધરતા આ મૃતદેહ પશુપાલક ઈસ્માઈલ ઉર્ફે હાજી ઉમર ચૌહાણનું હોવાનુું જાણવા મળ્યું હતું. બનાવ અંગે મૃતકના નાના ભાઈ મામદે આરોપી રાજમામદ રહેતુલ્લા સુમરા સામે હત્યા સહિતની કલમો તળે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે, તેમના મોટા ભાઈ ઈસ્માઈલની એકાદ વર્ષ પૂર્વે બકરા ચરાવવા મુદ્દે આરોપી રાજમામદ સાથે બોચાલી થઈ હતી, જેનું મનદુઃખ રાખીને આરોપીએ હાજી ઉમર ચૌહાણને માથામાં કુહાડી જેવા તિક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપીએ અગાઉ મરણજનારની પત્નીને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપી ઝઘડાખોર પ્રકૃત્તિ ધરાવતો હોઈ અગાઉ પણ લોકો સાથેે ઝઘડો કર્યો હતો ત્યારે લોકો તેને મારવા જતા તે ગામ છોડી બીજે નાસી ગયો હતો. ઘટનાને પગલે ભુજ ડીવાયએસપી ઘટના સ્થળે ધસી ગયા હતા. આરોપી મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાથી તેને દબોચી લેવા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.