અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી અપાતા ફોજદારી

લાયજા ઠગાઈ કેસના આરોપીના ભાઈએ ટેક્સ્ટ મેસેજ કરીને આપી ધમકી : મારા ભાઈની મેટરમાં વચ્ચે ન આવશો નહીંતર મારી નાખીશ તેવી ગર્ભિત ધમકી અપાતા ફરિયાદ

માંડવી : તાલુકાના લાયજા પોર્ટના વિકાસની વાતો વચ્ચે જમીનના સોદામાં ખોટા દસ્તાવેજાે બનાવવા સાથે થયેલી સાડા ચોવીસ કરોડની છેતરપીંડીના કેસમાં એક તરફ કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ બન્ને પક્ષ વચ્ચે સમાધાનની ભૂમિકા ભજવતા અખિલ કચ્છ ગઢવી ચારણ સમાજના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી અપાતા માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ મામલે મિત્રજીત વિજયકુમાર ગઢવી (ઉ.વ. રપ) (રહે. હરીનગર, માંડવી)એ ત્હોમતદાર મુળજી ઉર્ફે પચાણ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. આરોપીએ પોતાના કબજાના મોબાઈલ ફોન પરથી ફરિયાદીના પિતાના મોબાઈલ પર ટેકસ્ટ મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  છેતરપીંડીના મામલામાં જેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે ત્રણ આરોપી પૈકી પ્રભુરામ ગઢવીના ભાઈ મૂળજી રામ ગઢવી ઉર્ફે પચાણ ગઢવીએ વિજયભાઈને ધમકી  આપી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પ્રથમ વિજયભાઈને મોબાઈલ ઉપર બે કોલ કર્યા હતા જે નોરિપ્લાય થતા તેણે મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજ કરીને કહ્યું હતું કે, મારા ભાઈની મેટરમાં વચ્ચે ન આવજાે નહીંતર મારી નાખીશ તેવું જણાવ્યું હતું. બનાવને પગલે વિજયભાઈના પુત્રએ માંડવી પોલીસ મથકે ગુનો નોંધાવીને વિજયભાઈને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી માંગણી કરી હતી.