અકસ્માત જોવા ઉભેલી બોલેરો પાછળ બાઈક ઘૂસી જતા બાઈકસવારનું મૃત્યું

ભાવનગર તળાજા હાઈ-વે પર ત્રાપજ નજીક આજે વહેલી સવારે એક ઈકો કારના ચાલકે સ્ટેયર પરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ ગઇ હતી. આ અકસ્માતને જોવા અનેક વાહનો ઉભા હતા. જેમાં એક બોલેરો કાર પાછળ એક બાઈક ચાલક ઘુસી જતા બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. આમ વિચિત્ર અકસ્માતથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી. જેમાં બેના મોત થયા છે.બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તળાજા હાઈવે પર ત્રાપજ નજીક રીલાયન્સ પેટ્રોલપંપ પાસે વહેલી સવારે એક ઈકો કાર પલટી મારી ગઈ હતી. જેમાં દેવલીના વતની હાલ ભાવનગર રહેતા રમેશભાઈ દાનાભાઈ બારૈયાનું મોત નિપજ્યુ હતું. આ કારમાં બેસેલા ૬ વ્યક્તિઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડ્યા હતા.અકસ્માતનો બનાવ બનતા હાઈ-વે પર ટ્રાફીક જામ થવા પામ્યો હતો અને લોકો પોતાના વાહનો સાઈડ પર મુકી અકસ્માત જોવા પહોચી ગયા હતા. જેમાં એક બોલેરો કાર પણ અકસ્માતના કારણે રોડ પર ઉભી હતી. જેની પાછળ એક બાઈક ચાલક ઘુસી ગયો હતો. બાઇક સવારને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ તેનું મોત થયુ હતું. આ યુવાન ડેડાણનો ઘનશ્યામભાઈ કિશોરભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફળો ઘટનાસ્થળે દોડી આવેલ અને જરૂરી કાગળો તૈયાર કરી બંન્ને મૃતકોની લાશને તળાજા હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી.