અંતરિયાળ લખપતમાં રેઢાપડ સમાન સ્થિતિ : જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં

તાલુકાના મુખ્ય ગામોમાં ફાર્માસીસ્ટ વગર ધમધમતી મેડિકલની દુકાનો : અધુરામાં પુરૂં મેડિકલના સ્ટોર માણસોની સાથે પશુઓની દવાઓનું પણ થતું ધૂમ વેચાણ : સરહદી વિસ્તાર પ્રત્યે દર્શાવાતી અનદેખી જીવલેણ બને તે પહેલા પગલા ભરવાની ઉઠતી માંગ : સ્થાનિક જનતામાં જાેવા મળતો જાગૃતિનો અભાવ

(બ્યુરો દ્વારા)

ભુજ : પશ્ચિમ કચ્છના છેવાડાના અને અંતરિયાળ લેખાતા લખપતમાં હવે તો રેઢાપડ જેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, કોઈપણ જાતની રોકટોક વગર ખુલ્લેઆમ જન આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. તાલુકાના પછાતપણા અને લોકોમાં જાગૃતિનો અભાવ આ બેદરકારી માટે કારણભૂત રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ અંગેની વિગતો મુજબ એક સમયે લખપતને લખપતિઓનું શહેર માનવામાં આવતું પરંતુ આજે લખપત વિસ્તાર તરફ સેવવામાં આવતી રાજકીય દુર્લક્ષતાના કારણે લખપત અનેક સરકારી સેવાઓથી વંચિત રહી ગયો છે. તાલુકામાં આરોગ્ય સેવાઓ શરૂઆતથી કથળેલી રહી છે તેવામાં કોરોના મહામારી વચ્ચે લોકોની આરોગ્ય સેવા માટે કોઈ સવલત ન હોય તેમ લોકો નધણિયાતા બન્યા હતા. લાંબો વિસ્તાર હોવાથી ૧૦ – ૧ર કિલોમીટર પછી માંડ સરકારી દવાખાનું હોય પણ સ્ટાફ ગેરહાજર હોય અથવા દવાખાનાને તાળા હોય તો લોકો આરોગ્ય સેવાથી વંચિત રહી જાય છે. આવા સમયે તાલુકાના દયાપર, ઘડુલી, પાન્ધ્રો, વર્માનગર સહિતના મુખ્ય ગામોમાં આવેલા મેડિકલ સ્ટોરો પર લોકો દવા લેવા પહોંચી જાય છે. પરંતુ મોટા ભાગના મેડિકલ સ્ટોરોમાં ફાર્માસીસ્ટની ગેરહાજરી હોય છે, જેના કારણે પ્રાથમિક સારવારના નામે યોગ્ય દવાઓ ન મળતા દર્દીના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું અહીંના પ્રબુદ્ધ વર્ગના લોકો માની રહ્યા છે. બીજી તરફ એવી વાત પણ સામે આવી છે કે, મેડિકલ સ્ટોરોમાં માણસોની સાથે પશુઓની દવાઓનું વેંચાણ પણ ધૂમ રીતે થાય છે. ભલે લખપત તાલુકામાં માણસો કરતા પશુઓની સંખ્યા ઘણી વધારે હોય, મોટા ભાગના લોકો પશુપાલન સાથે સંકળાયેલા હોય પરંતુ જન આરોગ્ય સાથે થતા ચેડાં કેટલી હદે યોગ્ય કહી શકાય.? આ બેદરકારી પાછળ સ્થાનીકો પણ એટલી જ રીતે જવાબદાર છે. કારણ કે તેઓમાં જાગૃતતાનો અભાવ જાેવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારનું પ્રેશર આવ્યા બાદ આરોગ્ય અને ડ્રગ વિભાગ શહેરી વિસ્તારોમાં કાર્યવાહી કરી જિલ્લા વ્યાપી અહેવાલ આપી દે છે, પરંતુ જયાં સૌથી વધુ જરૂર છે તેવા અંતરિયાળ વિસ્તારોમાં કદી ડોકાતા પણ નથી. શહેરમાં તો લોકો જાગૃત છે પરંતુ સરહદી વિસ્તારોમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ન ડોકાતા મહામારીની સ્થિતિમાં લોકોની પડખે કોઈ રહ્યું નથી. કયારેક કોઈ અધિકારી આવે તો પણ સબંધિત મેડિકલ સ્ટોરની મુલાકાત લઈ પરત ચાલ્યા જાય છે. થોડા સમય પૂર્વે ભુજથી એક અધિકારી લખપતમાં ગયા અને મેડિકલ સ્ટોરના સંચાલકોને તાકીદ કર્યા બાદ પરત ફર્યા હતા. જાે કે, સબંધીત મેડિકલ સંચાલક સામે શું પગલા ભરાયા તેવો સવાલ ઉઠી રહ્યો છે.