અંતરિયાળ લખપતમાં રસીકરણને વેગવાન બનાવવા ડબલ્યુએચઓ આવ્યું આગળ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિએ સરહદી વિસ્તારમાં લોકોને રસી લેવા જાગૃત કર્યા : લોકો વેક્સિન મુકાવી સરકારના અભિયાનમાં બને સહભાગી

ભુજ : હાલમાં કોરોના મહામારીથી બચવા સરકાર દ્વારા રસીકરણ અભિયાનને વેગવાન બનાવવામાં આવ્યો છે, પરંતુ કચ્છના અંતરિયાળ વિસ્તાર લખપતમાં આરોગ્ય અને વહિવટી વિભાગની અથાગ મહેનતો પછી પણ સ્થાનિકો રસી મુકાવવા આગળ આવતા નથી. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિએ લખપતના સરહદી વિસ્તારોમાં સ્થાનિકોને રસી લેવા બાબતે સમજુત કર્યા હતા.

આ અંગેની વિગતો મુજબ લખપતમાં રસીકરણનો ગ્રાફ ઘણો નીચો છે. આરોગ્ય અને વહિવટીતંત્ર દ્વારા ગામે ગામ જઈ લોકોને વેક્સિન લેવા માટે સમજાવવામાં આવ્યા છે, પરંંતુ સમજાવટ દરમિયાન રસી લેવાની હા પાડી બાદમાં રસી લેવા માટે સરકારી કેન્દ્રોમાં લોકો આવતા નથી. પરિણામે આ તાલુકામાં પ્રયત્નો છતાં રસીકરણની કામગીરી ધીમી છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિ એવા રાજકોટના ડો. અમોલે લખપતમાં લોકોને કોરોના વેક્સિનના ફાયદા તેમજ રસી લેવાથી કોઈ આડઅસર થતી નથી તેવી સમજ આપી હતી. લોકો પણ અપીલને માન આપી રસી લેવા માટે આગળ આવી સરકારના વેક્સિનેશન અભિયાનમાં સહયોગી બને તે જરૂરી છે. ટીએચઓ ડો. રોહિત ભીલે કહ્યું કે, લખપતમાં જાે કોઈ ગામમાં ૧૦ વ્યક્તિ રસી લેવા માટે તૈયાર થશે તો અમારી ટીમ દ્વારા ગામમાં જઈ તેઓને વેક્સિન આપવામાં આવશે.