અંતરજાળમાં યુવાનનું અપહરણ કરી તલવાર વડે કર્યો ખૂની હુમલો

કારમાં અપહરણ કરનાર સાત શખ્સો સામે ફોજદારી : અપહૃત યુવક સામે મહિલાએ નોંધાવી છેડતીની પ્રતિ ફરિયાદ

 

ગાંધીધામ : તાલુકાના શાંતિનગર અંતરજાળ રહેતા યુવક અપહરણ કરી તલવાર જેવા મારક હથિયારોથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તત્વો સામે ફોજદારી નોંધાઈ હતી. તો ઈજાગ્રસ્ત યુવક સામે મહિલાએ છેડતીની પ્રતિ ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મેરૂભા ઉદેસિંહ વાઘેલા (ઉ.વ.૩૦) (રહે. શાંતિનગર અંતરજાળ તા.ગાંધીધામ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગતરાત્રીના સાડા આઠ વાગ્યે તેઓ જલારામનગર-૪ અંતરજાળ, જનતા પેટ્રોલપંપની બાજુમાં) હતા ત્યારે દેવલ પટેલ તથા અજાણ્યા છ શખ્સોએ તેઓને રોકી દેવલ પટેલ તેઓના માથામાં તલવાર વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી બળજબરીપૂર્વક અલ્ટો કારમાં બેસાડી અપહરણ કરી જઈ અન્ય ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી નાસી જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાતા આદિપુર પોલીસે મહાવ્યથાની કલમો તળે ગુન્હો નોંધ્યો હતો. જ્યારે જલારામનગર-૪ અંતરજાળ રહેતી મહિલાએ મેરૂભા ઉદેસિંહ વાઘેલા સામે બિભત્સ ઈસારા કરી છેડતી કરી જાતીય સતામણી કરીને ધાક ધમકી કરવા બદલ ફરિયાદ આપતા આરોપી સામે આઈપીસી કલમ ૩પ૪ એડી, પ૦૪ હેઠળ ગુન્હો નોંધી હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ રાવલે તપાસ હાથ ધરેલાનું પીએસઓ ચંદુભાઈ પાંડોરે જણાવ્યું હતું.