બે શખ્સોએ દોઢ લાખ લૂંટવાનો કારસો રચ્યો, પણ સંચાલકે બૂમાબૂમ કરતા આરોપી નાસ્યા

ગાંધીધામ : અંજારમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે થયેલી ૬પ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે લૂંટનો બનાવ સામે આવવા પામ્યો છે, પરંતુ આ કિસ્સામાં આરોપીઓને કોઈ રોકડ હાથ લાગી ન હતી.ગત રાત્રિના સમયે બનેલા આ બનાવ અંગે આદિપુર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. અંતરજાળના તિરુપતિનગરમાં રહેતા દિનેશ રતીલાલ ઠક્કર નામના આંગડિયા પેઢીના સંચાલક રાત્રે ૮ઃ૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે મારુતિ કાર નં.જીજે૧ર-ડીએ-૩૬૪૮ લઈને જતા હતા ત્યારે બે અજાણ્યા આરોપીએ ઘર નજીક ગલીમાં પોતાનું બાઈક આડું રાખી દીધું હતું અને ફરિયાદી દિનેશભાઈ પાસે જઈ બોલાચાલી કરી હુમલો કરી તેમની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી અને તેઓ પાસે રહેલા રોકડા રૂપિયા દોઢ લાખની લૂંટ ચલાવાની કોશીશ કરી હતી, પરંતુ દિનેશભાઈએ આરોપીઓનો પ્રતિકાર કરી બૂમાબૂમ કરતા આરોપીઓ સ્થળ પરથી નાસી ગયા હતા. આ બનાવમાં કોઈ રોકડની ચોરી થવા પામી નથી. સર્તકર્તાથી માત્ર લૂંટનો પ્રયાસ થયો હતો. જે સંદર્ભે મોડી રાત્રે આદિપુર પોલીસમાં બે અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ પણ કરવામાં આવી છે જે અંગે એચ.એસ.તિવારીએ તપાસ હાથ ધરી છે.