અંજાર સુધરાઈમાં અંધેરરાજ : ઉચ્ચકક્ષાએ ફરીયાદ

ગુલામમીલ સામેના વિસ્તારના રહેવાસીઓએ રાજય સરકારને લેખિતમાં કરી વિગતવાર ફરીયાદ : પાયાની સુવિધાઓથી વંચીત રાખવા સબબ નગરપાલીકાના વિરોધમાં નગરપાલીકાઓની કચેરી ગાંધીનગર, સેકશન અધિકારી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર તથા કલેકટર ભુજને કરાયેલી રાવ બની ગઈ નકકર કાગળીયા : અંજાર સુધરાઈના શાસકો દ્વારા તમામના હુકમનો અનાદર કરાયો હોવાનો અંગુલીનિર્દેશ

 

ગાંધીધામ : અંજાર નગરપાલીકા સમક્ષ વર્ષોથી અવાર નવાર રજુઆતો કરવા છતાં પાયાની સુવિધાઓ આપવામાં આવતી નથી તેમજ નિયામક નગરપાલીકાઓની કચેરી ગાંધીનગર, સેકશન અધિકારી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર તથા કલેકટર ભુજના હુકમોનું અનાદર કરતા હોઈ અહીના ભોગગ્રસ્ત અરજદારો અંજાર મધ્યે આવેલ શીવનગર વોર્ડ નં.૧ ગુલામ મીલ સામેના વિસ્તારના રહેવાસીઓ દ્વારા ઉચ્ચસ્તરે રજુઆત કરવામા આવી છે. જેમાં જણાવ્યાનુસાર આ વિસ્તાર રહેણાંક તથા કોમર્સીયલ વિસ્તાર છે. અહીં ઘણા બધા પરીવારો રહે છે તથા આજુ બાજુ ઘણી બધી દુકાનો પણ આવેલ છે. આ વિસ્તારમાં રહેણાંક હોવા છતાં ગટર લાઈનની સુવિધાઆ, પાકા રોડ, સ્ટ્રીટ લાઈટો જેવી કોઈ સુવિધાઓ આવેલ નથી.
જે બાબતે અરજદારોએ તા.ર૩-૦૯-૧૩ના રોજ ચીફ ઓફીસર નગરપાલીકા કચેરી અંજારને અરજી કરેલ અને વિવિધ વહીવટી કચેરીઓને નકલ રવાનાથી અરજી મોકલાવેલ હતી જે સંદર્ભે કલકેટર ભુજ દ્વારા પત્ર ક્રમાંક નં.એમયુએન/વશી/૧૩૧૯/૧૪ થી તા.ર૩-૦૬-૧૪ના રોજ નગરપાલીકાને સંબોધીને નિયમાનુસાર સત્વરે કાર્યવાહી કરવા જણાવેલ તેમ છતાં નગરપાલીકા કચેરી દ્વારા કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નહી.અહીના રહેવાસીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ કરવામા આવેલી ફરીયાદમાં સબંધીત વીસ્તારમાં ગટરલાઈન, પાક રસ્તાઓ, ગંદકી, સ્ટ્રીટલાઈટોસહિતના મામલે ફરીયાદ કરાઈ છે.
અંજાર નગરપાલીકા કચેરી અહીંના રહેવાસીઓ પાસે વેરો પણ ઉઘરાવે છે અને લોકો વેરો ભરે પણ કરે છે તેમ છતાં આટલા વર્ષોમાં નગરપાલીકા કચેરી દ્વારા અહીંના રહેવાસીઓને પાયાની સુવિધાઓ આપેલ નથી જેથી અમો અરજદારો પ્રથમ વર્ષે ર૦૧૩માં અરજી આપેલ હતી ત્યારથી કરી આજ દિન સુધીના અમારા વેરાઓ માફ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આમ ઉપરોકત મુજબની રજુઆતો સંદર્ભે અરજદારોએ તા.૩૦-૦૮-૧૭ના રોજ અરજી કરેલ હતી અને તેના દ્વારા અરજી અંગે કાર્યવાહી કરવા અગ્ર સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાધીનગરને અમારી અરજી મોકલાવેલ એ અગ્ર સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા અરજી અંગે જરૂરી કાર્યવાહી કરવા નિયામક, નગરપાલીકાઓની કચેરી, ગાંધીનગર ને મોકલવામાં આવેલ અને નિયામક દ્વારા કલેકટર કચ્છને મોકલવામાં આવેલ અને કલેકટર દ્વારા અમારી અરજી અંગે નિયમો અનુસાર કાર્યવાહી કરવા અંજાર નગરપાલીકાને તા.૦૮-૧ર-૧૭ વાળા પત્રથી સુચન કરેલ છે. તેમ છતાં આજદીન સુધી નગરપાલીકા દ્વારા અરજદારો તથા અહીંના રહેવાસીઓને ઉપરોકત મુજબની કોઈ પાયાની સુવિધાઓ આપવામાં આવેલ નથી
ઉપરોકત મુખ્ય અધિકારીઓ દ્વારા પણ અંજાર નગરપાલીકા કચેરીને નિયમો અનુસાર કાર્યવાહી કરવા જણાવેલ હોવા છતાં પણ અંજાર નગરપાલીકા કચેરી દ્વારા ઉપરી અધિકારીઓના હુકમોને પણ ધોળીને પી ગયેલ છે. પાયાની સુવિધાઓ અંજાર નગરપાલીકા પુરી પાડે તથા અંજાર નગર પાલીકા વિરૂદ્ધ કાયદેસરના પગલાઓ ભરવાની રજુઆત અરજદારોએ કરી છે તેમ અરજદારો વતીથી સોમનાથ મીઠુનાથ નાથબાવા, રહે.શીવનગર વોર્ડ નં.૧ ગુલામ મીલ સામે અંજાર તથા શીવનગર મધ્યેના અન્ય રહેવાસીઓની યાદીમાં જણાવાયુ છે.