અંજાર વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલ અકબંધ

જીઆઈડીસીમાં મેલડી માતાની સેવાપૂજા કરતા વૃદ્ધને અજાણ્યા શખ્સો છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યા હતા : હત્યારા સુધી પહોંચવામાં પોલીસ નાકામ

અંજાર : શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા નવા અંજારમાં રહેતા વૃદ્ધની હત્યાને દોઢ માસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હત્યારા સુધી પહોંચવામાં પોલીસને કોઈ જ મહત્ત્વની કડીઓ ન મળતા અનડીટેક્ટ રહી જવા પામેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.રપ-૯-૧૭ના જીઆઈડીસી વિસ્તાર નવા અંજારમાં રહેતા અને મેલડી માતાના મંદિરે સેવા-પૂજા કરતા જયંતિભાઈ પરસોત્તમભાઈ સોની ઉર્ફે સોની કાકા (ઉ.વ.૮૦)ને કોઈ અજાણ્યા શખ્સો કોઈ પણ ઈરાદે છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હત્યારા ફરાર થઈ ગયા હતા. હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. જે-તે સમયના તત્કાલિન પીઆઈ એમ.આર. ગોઢાણિયાએ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શંકાના દાયરામાં રહેલા અનેક શકમંદોની પૂછતાછ કરવામાં આવી હતી, પરંતુ હત્યારા સુધી પહોંચવામાં આજદિન સુધી પોલીસને કોઈ જ સુરાગ હાથ લાગેલ નથી. આ બાબતે પીઆઈ બી.આર. પરમારનો સંપર્ક સાધતા તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું.