અંજાર વીરબાળ ભૂમિ સ્મારકનું મોટાભાગનું કામ નવેમ્બર સુધી પૂર્ણ કરવા એજન્સીને તાકીદ

રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પ્રોજેકટ સાઈટ તેમજ પ્રાંત કચેરીએ સબંધીતો સાથે યોજી મિટિંગ : જેસલ – તોરલ સમાધીના વિકાસકામ માટે એજન્સી નિમાઈ, હવે વર્કઓર્ડર અપાશે : અહીં આવેલી ૬૦ જેટલી દુકાનોને અન્ય સ્થળે ખસેડવા તજવીજ

અંજાર : ર૬મી જાન્યુઆરી ર૦૦૧ના જયારે વિનાશક ભૂકંપ આવ્યો તે સમયે અંજારમાં શાળાના બાળકોની યાત્રા નિકળી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનુસંધાને નિકળેલી રેલીમાં એકાએક ભૂકંપના કારણે મોટી સંખ્યામાં બાળકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ત્યારે એ ભૂલકાઓની આત્માને શાન્તિ મળે તેમજ તેઓની સ્મૃતિમાં અંજાર ખાતે વીરબાળ ભૂમિ સ્મારક તૈયાર કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી આ કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે. જેના કારણે વાલીઓ પણ હતાશ બની ગયા છે. ત્યારે ફરી એક વખત આ કામોની સમીક્ષા માટે અંજારમાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં આ સ્મારકનું મોટા ભાગનું કામ નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ કરાઈ હતી. ત્યારે જોવાનું એ છે કે ૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વીરબાળ ભૂમિ સ્મારક કયારે બનીને તૈયાર થાય છે.રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે આજે વીરબાળ ભૂમી સ્મારક અને જેસલ તોરલ સમાધીના વિકાસકામ અંગે સમીક્ષા યોજી હતી. જેમાં સ્થળ પર કરાયેલી કામગીરીનું રિવ્યુ કરાયું હતું. તો પ્રાંત કચેરી ખાતે પણ બેઠક યોજાઈ હતી. અંજાર શહેર ભાજપના પ્રમુખ ડેની શાહના જણાવ્યા પ્રમાણે વીરબાળ ભૂમિ સ્મારક ખાતે દિલ્હીની એજન્સીના આર્કિટેક સુરેન્દરજી સાથે સમીક્ષા કરાઈ હતી. ખાસ તો ૮૦થી ૯૦ ટકા આર્કિટેક કામ નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવા રાજ્યમંત્રી દ્વારા તાકીદ કરાઈ છે. એકાદ નવી બિલ્ડિંગ બનાવવા સંદર્ભે પ્લાનિંગ માટે ગાંધીનગરમાં પ્રપોઝલ મુકાયું છે. ઝડપથી આ સ્મારકનું કામ પૂર્ણ થાય તે માટે તાકીદ કરાઈ છે. તો જેસલ તોરલ સમાધી ખાતે પાર્કિંગ કમ્પાઉન્ડ, શોપીંગ માટે દુકાનો અને ગેસ્ટ હાઉસ બનાવવામાં આવનાર છે. જે અંગે એજન્સી નિમાઈ ગઈ છે. ડિપોઝીટ ભર્યા બાદ વર્કઓર્ડર આપવામાં આવશે. હાલમાં અહીં આવેલી ૬૦ જેટલી દુકાનોને વૈકલ્પિક સ્થળે લઈ જવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ર.૭૬ કરોડના ખર્ચે ફેસ-રના કામો આરંભાશે, જેમાં પ૩ દુકાન બનવાની છે, જે કામ ઝડપી કરવા રાજ્યમંત્રીએ તાકીદ કરી હતી.આ મિટિંગમાં પ્રાંત અધિકારી ડો. વિમલ જોશી, મામલતદાર એ.બી. મંડોરી, સિટી સર્વે સુપ્રિ. એ.એ. ઝાલા, ચીફ ઓફિસર જીગર પટેલ, માર્ગ અને મકાન વિભાગ અંજારના મદદનીશ ઈજનેર પી.એચ. જાડેજા, એજન્સીના દિપકભાઈ, પ્રાંત કચેરીના નાયબ મામલતદાર એન.સી. પટેલ, વિક્રમસિંહજી હાજર રહ્યા હતા.